ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સરનામું (લઘુકથા) – શ્રદ્ધા ભટ્ટ

એકાદ કલાકથી એક સરનામું શોધતાં કંટાળી હતી માન્યા. દરેક રસ્તો આ એક જ ગોળાઈએ આવીને અટકી જતો હોય એમ એ અલગ અલગ રસ્તેથી અહીં જ આવીને રોકાઈ જતી. જાણે આ ગોળાઈ એના જીવન જેમ ફેરફૂદરડી ફેરવતી એનો ઉપહાસ કરતી હોય એવું લાગ્યું માન્યાને. એના જીવનનું ધ્યેય પણ તો એક જ નામ પર આવીને અટક્યું હતું, નિકેત. ગોળમટોળ સ્મિત મઢ્યા મોઢે પોતાનું નામ લઈને પોકારતું કોઈ આવીને ઊભું માન્યા સામે. આદત મુજબ વહાલથી મીઠી ચૂંટી ખણવા માન્યાનો હાથ લંબાયો. સૂકી નીરસ હવાનો ગરમ સ્પર્શ અંદર સુધી દઝાડી ગયો એને. નિકેતના સ્મરણથી પ્રસન્ન થયેલું મન એની જ યાદથી ખિન્ન થઈ ગયું.

સરળ ચાલતી જીવન નૈયા અચાનક કશા જ કારણ વિના થંભી જાય તો વાંક કોનો? સમાંતર ચાલતા પૈડાંમાંથી એક ખોટકાઈ જાય તો બીજું એનો ભાર લઈ પણ લે, પરંતુ અહીં તો એક પૈડું એની મરજીથી છૂટું પડી ગયેલું. આજે છ મહિના થયા નિકેત ગયો એને. માન્યાએ ઘણી મહેનત પછી એનું પગેરું શોધ્યું હતું. મુંબઈની શોધખોળ હૈદ્રાબાદ આવીને અટકી હતી. જગ્યા હતી કોઈ નિર્મળ બાબાનો આશ્રમ. પણ એ આશ્રમ તો કેમેય કરીને શોધ્યો જડતો જ નહોતો.

માન્યાએ આખરે દૂર બેઠેલા યુવાનને પૂછવાનું નક્કી કરી જ લીધું. ભગવો પહેરેલાં એ યુવાન પાસે જવાનું મન તો નહોતું પણ આ ધોમધખતા તાપમાં આસપાસ એના સિવાય બીજું કોઈ દેખાતું ય નહોતું.

ગોળાઈને છેક છેવાડે, પગથિયે બેસીને કોઈ દળદાર પુસ્તક વાંચતો એ યુવાન એના વાંચનમાં મશગુલ હતો. ગ્રીષ્મની ધોમ ધખતી બપોરમાં પણ એ અજબ શાતા સાથે ધ્યાનમગ્ન થઈને વાંચવામાં વ્યસ્ત હતો. માન્યા એની સાવ લગોલગ જઇને ઊભી રહી પણ એ યુવાને એની નોંધ પણ ન લીધી.

“એક્સ્ક્યુઝ મી, તમે જરા આ સરનામું બતાવી શકશો?” માન્યાએ પૂછ્યું.

જવાબમાં બે તેજોમય આંખો ઊંચકાઇ. સાવ પરિચિત એવી એ આંખોને માન્યાની આંખોએ ઓળખી. પણ ઓળખાણનો જે ભાવ માન્યાની આંખોએ દેખાડ્યો એનો પ્રતિભાવ ન મળ્યો.. કે પછી એ આંખો કોઈ આવરણ હેઠળ દબાયેલી હતી? વર્ષો સુધી જે આંખોએ પોતીકાનો ભાવ દર્શાવ્યો હતો એ જ આંખો આજે માન્યાને સાવ અજાણી લાગી. પ્રેમના અમીરસથી ભરપૂર એ આંખો આજે સાવ કોરી કેમ હતી? એક વખતે આંખોના ઈશારાથી જ શરૂ થયેલાં ને આંખોથી સીધા દિલમાં પાંગરેલાં એમના પ્રેમને કોઈ અભેદ અદ્રશ્ય તત્વએ ગ્રહી લીધો હોય એવું લાગતાં જ માન્યા બે કદમ પાછળ હટી ગઈ. જે નિકેતને શોધતી એ અહીં સુધી આવી હતી એ તો ધર્મના આંચળ હેઠળ ક્યાંક ખોવાઈ ગયો હતો. ધર્મની જડ માન્યતા આગળ એનો પ્રેમ આજે હારી ગયો હતો. માન્યાએ પળવારમાં નિર્ણય લઈ લીધો.

“સોરી ટુ ડિસ્ટર્બ યુ. હું ખોટું સરનામું શોધી રહી હતી.” એક વાર પણ પાછળ જોયા વિના એ ત્યાંથી નીકળી ગઈ. ધર્મભીરુ બે આંખો ક્યાંય સુધી માન્યાની પીઠને તાકતી રહી.

– શ્રદ્ધા ભટ્ટ

(Photo by Sushma Sheth)

Leave a comment

Your email address will not be published.