ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એક મુલાકાત (માઈક્રોફિક્શન) – રાજુલ ભાનુશાલી

હવે ખાતરી થઈ કે એ મને જ જોઈ રહી છે.

એકાદ બે વાર નજર મળી. એવું શું હતું એ નજરમાં જે મને ખેંચી રહ્યું હતું! ઈજન? હવે મને પણ એમાં રસ પડ્યો. હું તાકી રહ્યો. ચહેરો નમણો હતો, અને આંખો… કાફી બોલકી.

બાજુમાં બેઠેલા પુરુષે કશુંક કહ્યું. એણે પર્સમાંથી પાણીની બોટલ કાઢીને આપી.

‘મને જુએ છે?’ મારી આંખોમાંથી ડોકાતો એ પ્રશ્ન જાણે એણે વાંચી લીધો હોય એમ બે વાર એણે પોતાની બોલકી આંખો પટપટાવી અને તીરછી નજરે બાજુમાં બેઠેલા પુરુષને જોઈ લીધો. એની આંખો બંધ હતી.

સ્ત્રીએ પોતાના સુક્કા હોઠ પર નજર ફેરવી. એની નજર મારા ચહેરાથી સરકતી નીચે ઉતરી. એણે મારા સ્નાયુબદ્ધ શરીરને જોઈ પાઉટ કર્યું. મેં ટાઈ સહેજ ઢીલી કરીને શર્ટના આગલા બે બટન ખોલ્યાં. એની આંખો ચમકી.

છાતી પરથી દુપટ્ટો સેરવીને એણે ખભા પર નાખ્યો. ડ્રેસની નેકલાઇનમાંથી થોડુંઘણું ક્લીવેજ દેખાઈ રહ્યું હતું. એણે ડ્રેસ ખેંચ્યો.

હવે મારું ધ્યાન ગયું કે એની છાતી સામાન્ય રીતે હોય એના કરતાં ઘણી વધારે ભરાવદાર હતી. ભદ્દી લાગે એટલી! બીજી કોઈ પરિસ્થિતિમાં મેં તરત એ તરફથી નજર વાળી લીધી હોત. પણ અત્યારે..

મેં વળી એની આંખોમાં જોયું, એ બોલકી આંખોમાં આખો દરિયો હિલ્લોળા લેતો દેખાયો. તરસનો દરિયો!

એ થોડી ટટ્ટાર થઈ, અને પગને સહેજ પહોળા કર્યા. ખોળામાંની પર્સ બાજુમાં મૂકી દીધી. હું કશું ન સમજું એટલો નાદાન તો નહોતો જ! મને આ રમતમાં મજા પડવા લાગી.

ભ્રમર ઉપાડી પ્રશ્ન ફંગોળ્યો, ‘શું જોઈએ છે?’

એ હસી પડી.

‘અગલા સ્ટેશન દાદર, નેક્સ્ટ સ્ટેશન, દાદર, પુઢચ્યા સ્ટેશન દાદર..’ એનાઉંસરનો કર્કશ અવાજ આવ્યો.

એની બાજુમાં બેઠેલો પુરુષ ઉભો થયો. એ પણ એની પાછળ ઉભી થઈ, કદાચ એમને ઉતારવાનું હતું. મેં ઝડપથી ખિસ્સામાં હાથ નાખ્યો. તેઓ દરવાજા તરફ આવ્યાં. ટ્રેન સ્ટેશનમાં પ્રવેશી ચૂકી હતી. એ થોડીક નજદીક આવી અને તદ્દન ચોંટીને ઉભી રહી. એનું શરીર ખાસું તપેલું હતું.

ટ્રેન ઉભી રહી, એ ઉતરી.. હું એની પીઠને જોતો રહ્યો, એકવાર તો ચોક્કસ પાછળ જોશે. પણ એણે ન જોયું. ટ્રેને ફરી ગતિ પકડી લીધી.

એક વાતની ધરપત હતી કે એણે ઉતરતી વખતે મેં એના હાથમાં સરકાવેલું વિઝિટિંગ કાર્ડ પોતાના હાથમાં લઈ લીધેલું!

– રાજુલ ભાનુશાલી

(Rangoli by Hiral Vyas & Khushbu Vyas)

Leave a comment

Your email address will not be published.