ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માર્ગ (માઈક્રોફિક્શન) – મયુરિકા લેઉવા બેંકર

“જે વ્યક્તિ સર્વે ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે, તેને જ અંતે મોક્ષ મળે છે.” ગુરુજીના શબ્દો સૌ આશ્રમવાસીઓ અને ખાસ કરીને નવા દીક્ષાર્થીઓ મંત્રમુગ્ધ બનીને સાંભળતા હતા. પ્રવચન પૂર્ણ થતાં સાયંઆરતી કરી સૌ છૂટાં પડ્યાં.

રાત્રે ધ્યાનમગ્ન અવસ્થામાં તેના સ્મૃતિપટલ પર છ મહિના પહેલાની ઘટનાઓ ફિલ્મની રીલ ફરતી હોય તેમ ઘટી ગઈ. હોઠની ઉપર નવી નવી મૂછના દોરા ફૂટવા, અવાજનું સહેજ ભારે થવું અને વર્ગમાં સાથે ભણતી અવનીને નિહાળવું ગમવું, અતિધાર્મિકતા ધરાવતા ઘરમાં પળાતા ચુસ્ત નિયમો અને અચાનક એક દિવસે ધામધૂમથી પોતાના જ ઘરમાંથી વિદાય અને અહીં આ આશ્રમમાં પ્રવેશ. રોજ રાત્રે સપનામાં અવની યાદ આવતી. તેને સ્પર્શવાનું, આલિંગવાનું ને ચૂમવાનું મન થતું, શરીરમાં કોઈ ભયંકર આવેગ અનુભવાતો અને જ્વાળામુખી ફાટતો. પ્રભાતે સંભળાતા ભજનિયાની પવિત્રતામાં રાત્રિની એ શરમજનક ઘટના એને વધુ અક્ષમ્ય લાગતી.

રાત્રે ધ્યાન કરવાના ઓરડામાં ધ્યાનમૂર્ત એણે એના મનમાં વિકસતા વિકારને આદેશ આપ્યો, “જા… નહિ જાય તો હું બાવડું ઝાલીને કાઢીશ, સળગાવી દઈશ..” મનોબળ મજબૂત થયેલું જણાયું. માહ્યલામાં રાહતની લાગણી વ્યાપી ગઈ.

પોતાનાં ઓરડાં તરફ જતાં તેને ગુરુજીના ખંડમાંથી ઉન્માદભર્યો સ્ત્રીસ્વર સંભળાયો. જિજ્ઞાસાવશ, નિયમોનું ઉલ્લંઘન કરીને અધખુલ્લી બારીમાંથી અંદર જોવા પ્રયત્ન કર્યો. મોક્ષ તરફ જતો અન્ય માર્ગ તેને પોકારી રહ્યો.

– મયુરિકા લેઉવા બેંકર

Leave a comment

Your email address will not be published.

One thought on “માર્ગ (માઈક્રોફિક્શન) – મયુરિકા લેઉવા બેંકર”