ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પાંચ માઈક્રોફિક્શન – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

કહેવતો પરથી માઈક્રોફિક્શન

૧. વાડ થઈને ચીભડાં ગળે

ગર્લ્સ હોસ્ટેલનો દરવાજો અઠવાડિયામાં બે કે ત્રણ વાર રાત્રે ૧ વાગ્યા પછી ચોકીદાર દલસુખ ચૂપકીદીથી ખોલી આપે. ગૃહમાતા સુરેખાબેન એક નવી છોકરીને ચોરસો ઓઢાડીને બહાર લઇ જાય.

બે ત્રણ કલાકે એ લોકો પાછા આવે અને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં પોતાની બે દીકરીઓ સાથે રહેતા દલસુખ સિક્યુરિટીને રાત્રે નિયમ વિરુદ્ધ દરવાજો ખોલી આપવાના પૂરા ૧૦૦ મળે.

ગઇકાલે અચાનક એ છોકરીના ચહેરા પરથી ચોરસો ખસી ગયો. અને એને જોઈને દલસુખને ઝેર ખાવાનો વારો આવ્યો.

૨. સંઘર્યો સાપ પણ..

દર મહિને ભાડું લેવા આવે ત્યારે અચૂક કરાતાંં અડપલાં એ કશું જ બોલ્યા વગર સહન કરતી હતી. એના મૌનને શેઠે એની સંમતિ સમજી.

આજે અચાનક એણે શેઠને આ ઘર પોતાના નામે કરવાના કાગળો આપ્યા અને સાથે સાથે વર્ષોથી છૂપી રીતે રેકોર્ડ કરેલ ક્લિપ્સની પેનડ્રાઇવ…

3. સંપ ત્યાં જંપ

પોતે જ ઝઘડીને ૧૦ વર્ષ પહેલા ઘરની બરાબર વચ્ચોવચ બનાવેલી દિવાલને અડીને પોતાના ભાગમાં બેઠેલ સંજયના મનમાં આજે વંટોળ ચાલ્યું હતું. અચાનક બધું જ સમાપ્ત… બિઝનેસમાં પાછો ઉભો થવાનો કોઇ જ આરો ન હતો.

હાથમાં રહેલ પોઇઝનની શીશી હસીને જાણે કહી રહી હતી કે મારા સિવાય તારી જોડે કોઇ જ નથી.

અચાનક દિવાલની બીજી તરફથી લાગેલ કોસના ધક્કાથી ઇંટ ખરીને એના હાથમાં રહેલ શીશી પર પડી. અને બાકોરામાંથી અબોલા લીધેલ મોટાભાઇ બોલ્યા, “નાના, કોઇ ખોટું પગલું ન ભરતો, હજી હું બેઠો છુ. બધુંં ફોડી લઇશું.”

૪. દુકાળમાં અધિક માસ

“પપ્પા, સોરી બટ જોબ ઇઝ અ જોબ.. અમારે ત્યાં તમારા ઇન્ડિયા જેવું ન હોય. ઈન શોર્ટ આ વર્ષે પણ મારાથી ત્યાં નહીં અવાય…”

“પણ બેટા ચાર વર્ષ થયા હવે તો..” રમણિકલાલ બોલવા જાય ત્યાં તો સામેથી ફોન કટ થયો.

રમણિકલાલની પાછળ અડોઅડ ઉભેલા પત્ની ભારતીબેને અધીરાઇથી પૂછ્યુંં.. “શું થયું?”

રમણિકલાલે ફોન મૂકતા કહ્યું, “કંઈ નહીં, દુકાળમાં અધિક માસ”

૫. ભેંસ આગળ ભાગવત.

લગભગ ૩૦ જેટલી સિગરેટ પીને, બે રાતના ઉજાગરા કરીને પણ “એન્ટી સ્મોકિંગ અવેરનેસ કેમ્પેઇન”નો વિડીયો એણે એડિટ કરીને સમયસર આપી દીધી.

– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

(Rangoli Picture by Sarala Sutariya)

Leave a comment

Your email address will not be published.