ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પાત્રાલેખન : “છિન્નભિન્ન” વાર્તાની નાયિકા સીમા – મીતલ પટેલ

સીમા,

પોનીટેલમાં બંધાયેલા કાળા વાળ, સાદો પરંતુ આકર્ષક ડ્રેસ, મક્કમ ધીમી અવાજ વિહીન ચાલ. ચાલીસથી પચાસ વર્ષ વચ્ચેની ઉમર. સંપૂર્ણ શાંત, એકાગ્ર ચિત્ત, સ્વસ્થ મનની સ્વામિની, આત્મવિશ્વાસથી છલકાતો ધીર ગંભીર ચહેરો. કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાની હિંમત એની આંખોમાં દેખાય છે. આ એક બદલાવ છે, જેને લીધે એની ઉમર અત્યારે છે એ કરતાં દસ વર્ષ ઓછી દેખાય છે.

પતિના સીમાને તલાક આપવાનો નિર્ણય જાહેર કરવા પર એ પ્રતિભાવ આપ્યા વિના પોતાનો સામાન એકઠો કરવા માંડે છે. અહીં જ્યારે સીમા નાની નાની નિરર્થક લાગતી વસ્તુઓ એકઠી કરે છે ત્યારે એના ચહેરાના ભાવો અને આંખોની હલકી ભીનાશ એના લાગણીશીલ અને પ્રેમાળ વ્યક્તિત્વને દર્શાવે છે. જીવનના જુદાજુદા સ્તરે મળેલા પ્રત્યેક સંબંધને, એની યાદોને ભેગી કરીને સાચવીને રાખવાનો સીમાનો સ્વભાવ એના જીવનમાં સંબંધોની જરૂરિયાત ફલિત કરે છે. પછી એ શાંત મને બીજા ઓરડામાં જઈને સૂઈ જાય છે, અલબત્ત પતિની ઊંઘ હરામ કરીને… સવારે રાબેતા મુજબ ચા, નાસ્તો બનાવીને ફક્ત પોતાની જ વસ્તુઓ લઈને એ પતિને કંઈ પણ કહ્યા વિના નીકળી જાય છે.

સીમાના પોતાની ધારણાથી તદ્દન વિપરીત વર્તાવથી ત્રસ્ત આઘાત અને અસમંજસમાં સીમાનો પતિ એની ડાયરી વાંચે છે જે સીમા પોતાની સાથે નથી લઈ ગઈ. જે સીમાના ભૂતકાળમાંના પાત્રને વર્ણવે છે. એ પાત્ર ૪૦ થી ૫૦ વચ્ચે પરંતુ રહેણીકરણી, વર્તાવ, વ્યવહારમાં ક્યાંય મોટી ઉમર દેખાય છે. સાડી પહેરતી આધેડ ઉમરની સામાન્ય દેખાવની ગૃહિણી, સફેદ થઈને અંબોડામાં બંધાઈ ગયેલા વાળ, પગના દુખાવાના કારણે ધીરે ધીરે મંડાતા પગલાં, સાધન સંપન્ન, ભણેલાગણેલા પરિવારની ગૃહિણી, પતિ – સફળ ઉદ્યોગપતિ, પુત્રી યાશી – જેના વિવાહ થઈ ગયા છે. પુત્ર અભિ – હોસ્ટેલમાં ભણે છે.

એની મનઃસ્થિતિ વિચિત્ર છે. મોટા મહેલ જેવા મકાનમાં રહેતી સામાન્ય ગૃહિણી સીમા જીવનથી, સંબંધોથી નાસીપાસ થઈ ગઈ છે. ઉદાસી, દુઃખ અને એકલતા સામે એકલી ઝઝૂમતી એની હિંમત ત્યારે જવાબ આપી જાય છે, જ્યારે એને ખબર પડે છે કે એનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધમાં છે અને સીમાને છોડીને એની સાથે લગ્ન કરવા માંગે છે.

હંમેશા ઘરની ચાર દીવાલો વચ્ચે બાળકો અને પતિમાં જ પોતાનું સર્વસ્વ સમેટીને જીવતી એક સામાન્ય ગૃહિણીની મન:સ્થિતિ શું હોય? આ સંજોગોમાં એ શું કરે? પતિના ફેંકેલા એલિમનીના ટુકડા પર જીવે કે ભાઈના ઘરે જઈને એના પર બોજ બની એમના સંસારમાં અવરોધો ઊભા કરે? કારણકે એણે તો ક્યારેય પૈસા કમાયા જ નથી. એ સ્ત્રીની નજર સામે પોતાનું સમસ્ત જીવન વેરવિખેર થતું દીસે છે. હવે શું કરીશ? કેવી રીતે, ક્યાં રહીશ? મારા ઘડપણમાં કોણ મારો સહારો બનશે? સમાજમાં મારું શું નામ રહેશે? લોકો રહેમની નજરે જોશે કે ધૃણાની.. તિરસ્કૃત હોવાનો એહસાસ જીરવવો એના માટે મુશ્કિલ બને છે. ઉદાસી એકલતામાં ડૂબેલી શરીરથી અને મનથી દિવસે ને દિવસે દૂબળી થતી જતી, પોતાના દેખાવ, ખાવા પીવા પરત્વે વધુ ને વધુ બેદરકાર થતી જાય છે.

હંમેશા કંઈક વિચારતી, પોતાનામાં ખોવાયેલી રહેતી, શૂન્યમાં તાકતી રહેતી, લોકોને મળવાનું ટાળતી એક સામાન્ય સ્ત્રી મનોમંથનમાં દિવસો પસાર કરે છે. એનામાં આવેલાં બદલાવ પરત્વે એના પતિનું ધ્યાન પણ નથી હોતું જે એને વધારે પીડે છે. અને આ જ ડિપ્રેશનમાં એ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. જે પણ એના પતિની નોંધ વિના નિષ્ફળ જાય છે.

હવે તમે વિચારશો કે જીવનથી હારેલી, થાકેલી નાસીપાસ થયેલી સ્ત્રી જેને ખબર છે કે એનો પતિ એને ગમે ત્યારે બીજી સ્ત્રી માટે છોડી શકે છે અને જેને જીવનમાં પોતે ના તો કોઈ ધન ઉપાર્જિત કર્યું છે કે ના પોતાના અસ્તિત્વને નિખાર્યું છે, ના કોઈ ઉલ્લેખનીય કામ કર્યું છે તો એવી અતિસામાન્ય સ્ત્રી સશક્ત પાત્ર કેવી રીતે હોઈ શકે? સીમાના પાત્રને સમજવા માટે સીમાના પાત્રને રચવાનો લેખકનો ઉદેશ્ય સમજવો જરૂરી છે.

સમાજના પ્રશ્નો, સ્ત્રીઓની સમસ્યાને ઉજાગર કરતી વાર્તાઓ લખવી તથા એના પર પ્રકાશ પાડવો લેખકોની ફરજ છે પરંતુ એનાથી મોટી ફરજ છે વાર્તા થકી એ સમસ્યાનું સમાધાન શોધવું અને સૂચવવું. સીમાના પાત્ર થકી એ રસ્તો ચીંધવો છે જે જીવનમાં થાકેલી, હારેલી, ડિપ્રેશનમાં સરેલી પ્રત્યેક વ્યક્તિને નવું જીવન જીવવાની પ્રેરણા આપે. પૂરા બે મહિના ચિંતા, તાણ અને ડિપ્રેશનમાં વિતાવ્યા પછી, આત્મહત્યાનો પ્રયાસ કરનાર સીમા હવે શું કરે છે? એ પોતાની જાતને પામે છે. એક ગૃહિણીમાં રહેલી સીમાને શોધવાની મથામણ કરે છે. પોતાને વિશ્વાસ અપાવે છે કે જે વ્યક્તિ આખા ઘરનું, પતિનું, બાળકોનું ધ્યાન રાખી શકે છે. એ પોતાનું ધ્યાન તો રાખી જ શકશે.

“પોતાની મુશ્કેલીઓ, દુઃખો, ડિપ્રેશન, નિરાશા, હતાશા, તકલીફો, એકલતા જેવા એકબીજાની પર્યાયવાચક સમસ્યાઓનો ઉપાય કે પ્રશ્નનો જવાબ એક જ છે. અને એ છે તમે સ્વયં… તમે પોતે.. તમારી મદદ ફક્ત અને ફક્ત તમે જ કરી શકો છો. બીજા વ્યક્તિઓ ખુદના સંતાનો કેમ ના હોય એમની સાથે જીવવું, સહારે નહિ. પોતાના પર થોડો… થોડો નહિ ખૂબ વધારે વિશ્વાસ રાખીને પોતાના સહારે જીવવામાં..  વિશ્વાસઘાત થવાનો કોઈ અવકાશ નથી રહેતો અને એ જ મહત્વનું પાસું છે સફળ જીવનનું.“ સીમા પોતે જ પોતાને સફળ જીવન જીવવાનો પાઠ ભણાવે છે.

તમારું અસ્તિત્વ અને આત્મસન્માન તો તમારે જ નિખારવાનું હોય છે. ઈશ્વરે પ્રત્યેક વ્યક્તિને કંઈક તો એવું આપ્યું જ હોય છે, કોઈ ટૅલેન્ટ, કોઈ કળા, કોઈ હુન્નર.. કંઈ પણ પોતાની રુચિનો વિષય જેમાં ઓતપ્રોત થઈને એ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. સીમાનું પાત્ર આ મનોમંથનને જીવે છે અને વ્યક્ત કરે છે..

વર્ષો સુધી સામાન્ય પ્રવાહથી કપાઈને જિવાયેલું જીવન, આધુનિક ટેક્નોલૉજીના જમાનામાં પછાત ગણી શકાય એ હદની એ વિષય વિશેની અણઆવડત, આધેડ ઉંમરે પહોંચેલું શરીર, કામ કરવાની ક્ષમતાનો ઘટાડો, ધીમે ધીમે ક્ષીણ થતી યાદશક્તિ.. એનું મનોમંથન સીમિત શક્તિઓના ભંવરમાંથી ઉદ્ભવતાં આશા નિરાશાના ઊંચા ઊંચા ઊછળતા મોજાંઓના તોફાનોને ભેદીને શાંત સમુદ્રમાં વિહરવાની મથામણ કરે છે. પરંતુ કોઈ ઉપાય એને સૂઝતો નથી.

આ સ્તર પર પાત્રમાં થોડું પરિવર્તન આવે છે. હવે એ પોતાને નિખારે છે. ઘરની પતિની જવાબદારીઓ સિવાય પોતાના માટે પણ જીવે છે. નવા મિત્રો બનાવે છે, જૂના મિત્રોને મળે છે. બહારની દુનિયાને સમજવા પ્રયત્ન કરે છે. પોતે આ ઘરની બહારની દુનિયામાં ક્યાં સમાય શકે એમ છે, એ શોધે છે… પોતાનું આગળનું જીવન જે આજ સુધી બીજા ડિઝાઇન કરતાં એ પોતે કરવાની કોશિશ કરે છે… આ બે મહિનામાં એ પોતાને ડિપ્રેશનમાંથી સંપૂર્ણપણે બહાર કાઢીને એક માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ બને છે.

પછી યુવાનીમાં તેજસ્વી વિદ્યાર્થીની અને ઈત્તર પ્રવૃત્તિઓમાં અવ્વલ સીમા બીજાના સ્વાર્થીપણાને કારણે ક્યાંક ખોવાઈ ગયેલી પોતાની પ્રતિભાને પોતાના નિર્જીવ થઈ ગયેલા અસ્તિત્વમાંથી ખેંચીને બહાર કાઢવાની  કવાયત કરે છે. જે કોઈ સંઘર્ષથી કમ નથી. અહિ પતિ અને ઘર માટે એક વખત ત્યજેલા પોતાના ઝળહળતાં કૅરિયર માટેનો સીમાનો અફસોસ એની આંખો, ચહેરા, વાતો, પ્રવૃત્તિઓમાં ઝળકે છે.

પોતાના અસ્તિત્વની ખોજ માટેનો એનો સંઘર્ષ અને યોજના બનાવે છે. આ ઉંમરે કદાચ એ પોતાના પતિ જેવું સફળ, સમૃદ્ધ જીવન નહિ મેળવી શકે પરંતુ એક સાતત્યપૂર્ણ જીવન જીવવાનો માર્ગ એ ખોળી લે છે. સીમાનું પાત્ર એવા અસંખ્ય લોકો સાથે જોડાઈ છે જે આવી પરિસ્થિતિનો સામનો કરે છે.. સીમાની જગ્યા પર તમે હો તો તમારો માર્ગ શું હોય શકે? તમારી અંદર એવી શી પ્રતિભા છે જે તમારા અસ્તિત્વને ટકાવવા અને આત્મસંતોષને પોષવામાં મદદ રૂપ થઈ શકે. એવું કયું કામ છે, જે તમે કરી શકો છો? બસ આ પ્રશ્નનો જવાબ સ્વયંને આપી, પોતે પોતાની મદદ કરી, વિષમ પરિસ્થિતિમાંથી પોતાનો રસ્તો કાઢી શકો છો. સામાન્ય સીમાનું અસામાન્ય પાત્ર જીવવાનો એક રસ્તો બતાવી જાય છે…

ફક્ત પોતાના જીવનની કેડી જ કંડારવી સીમાના પાત્રનું લક્ષ્ય નથી. એ પોતાના હંમેશથી વિપરીત વર્તન અને પોતાની ડાયરીના શબ્દો થકી પોતાના પતિને પોતે જીવેલી પ્રત્યેક એકલવાયી, પીડાદાયક ક્ષણો વિશે અવગત કરાવે છે.. એને પરોક્ષપણે એ મનોમંથન જીવવા મજબૂર કરે છે…  એને પોતાની ભૂલનો, દગાનો, વિશ્વાસઘાતનો એહસાસ કરાવે છે. પતિ પાસેથી કંઈ જ નહિ સ્વીકારીને, એના પર કોઈ પણ આક્ષેપ લગાવ્યા વિના ચૂપચાપ ચાલી જવાના સીમાના વર્તનના કારણે પોતાની જ નજરોમાં ક્ષણાર્ધમાં એ એક વગદાર ધનિક વ્યક્તિ, પ્રેમાળ અને કાળજી રાખનાર પતિ, પુત્ર અને પિતામાંથી પોતાની પત્નીને નિરાધાર છોડી દેનાર દુષ્ટ પતિ બનીને રહી જાય છે. બાળકો અને સમાજની નજરોમાં પણ…આ જ કારણે સીમાના પતિને ડર લાગે છે કે બાળકો પણ ક્યારેક સીમાના અસ્તિત્વમાં જ એકાકાર થશે.

સીમાના ચહેરા પર અંતમાં સંતોષની રહસ્યમય લહેર દેખાય છે કારણ કે પોતાને દુઃખના દરિયામાં એકલાં તરવા મૂકનારને એ હંમેશા માટે એક અસમંજસની સ્થિતિમાં મૂકીને જાય છે ..

હંમેશા સીમાના અસ્તિત્વને છિન્નભિન્ન કરનાર પતિના અસ્તિત્વને છિન્નભિન્ન કરવા સીમા પોતાના છેલ્લા છ મહિનાનું મનોમંથન ડાયરીના શબ્દો સ્વરૂપે મૂકી જાય છે…. આ શબ્દોમાં સમેટાયેલી સીમા દ્વારા જીવાયેલી પીડા એના પતિને હવે ક્યારેય માનભેર, શાંત જીવન જીવવા નહિ દે. એક દગાની, ગુનાની ટીસ હંમેશા એના અંતરાત્માને કચોટતી રહેશે. અને આ નિર્દોષ સીમાનો બદલો હોય છે… જે એની ચાલને મક્કમતા આપે છે.

– મિત્તલ પટેલ

(Photo Model : Dhruvi Babariya, Daughter of Purvi Babariya)

Leave a comment

Your email address will not be published.