ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ફેમિનિઝમ (માઈક્રોફિક્શન) – મમતા પટેલ

સુધાબેન ઓરડામાં પ્રવેશતાં જ સોંપો પડી ગયો. નમન અને પરી અંદર અંદર એક બીજાને જોઈ રહ્યાં. હમણાં જ કોર્ટ મેરેજ કરીને આવેલું આ જોડું નમનનાં મમ્મી સુધાબેનનો પ્રતિભાવ શું હશે એ વિચારી રહ્યું, પણ નમન સિવાય લગભગ બધાને ખાત્રી હતી કે સુધાબેન પરીને સ્વીકારી લેશે. સુધાબેન સમાજ સુધારક હતા, સ્ત્રીઓના હક્ક માટેની તેમની લડત, તેમનો ફેમિનિઝમ પ્રત્યેનો અભિગમ આખા શહેરમાં જાણીતો હતો.

એક નજર પરી તરફ નાંંખી એ તાડુકયાં, “કોઈ લેવલનું ન મળ્યું તે આને ઉઠાવી લાવ્યો? ગોરી ચામડીમાં મોહી પડયો લાગે છે, ચામડી ભલે ગમે એટલી ગોરી હોય, જાત તો નીચ જ રહેવાની ને..”

પરી વિસ્ફારિત આંખે સુધાબેનનું આ અજણ્યુંં અને નગ્ન સ્વરૂપ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. એની આંખમાં ઝળઝળીયાં ધસી આવ્યા.

બહારથી અચાનક શોર ધસી આવ્યો, “સુધાબેન ઝિંદાબાદ.. સુધાબેન ઝિંદાબાદ..” જયકારા કરતા લોકો અંદર ધસી આવ્યાં, કેટલાક સુધાબેનના પગે પડવા લાગ્યા અને એકે તો સુધાબેનના ગળામાં હાર સુદ્ધાં પહેરાવી દીધો.

સુધાબેને હાર સરખો કરતાં ખંધા સ્મિત સાથે પરી સામે આંખ મીંચકારી અને પરીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.

– મમતા પટેલ

(Photograph Model : Dipali Patel, Daughter of Sarjan Member Smitaben Patel)

Leave a comment

Your email address will not be published.

One thought on “ફેમિનિઝમ (માઈક્રોફિક્શન) – મમતા પટેલ”