ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

‘સિંહાસન બત્રીસી’નું સિંહાસન : પાત્રાલેખન – શીતલ ગઢવી

“મને સજીવ પાત્ર કરતા નિર્જીવ પાત્ર વધુ આકર્ષે. એની લાગણીઓ કાગળ પર ઉતારવી અને એમ કલમ અને કાગળનેય સજીવતાની અનુભૂતિ કરાવવી ગમે.”

હું મારા મિત્ર સાથે વાત કરતી એક લાઈબ્રેરીમાં ચાલી રહી હતી, “પોસ્ટઓફિસના અલી ડોસા કરતા પોસ્ટ ઓફિસની ભીંતો, બારણાં, બારી; એ અલી ડોસાને જોઈ શું વિચારતા હશે એ જાણવું વધુ ગમે. આસપાસની વસ્તુઓમાં સજીવારોપણ કરવું, એમની દ્રષ્ટિએ જોવું, એ વિચાર જ અદ્રુત છે.”

મારી મિત્ર મારી સામે હસીને બીજા પુસ્તક શોધવા આગળ વધી. પાસેના શેલ્ફમાંથી અચાનક સિંહાસન બત્રીસીનું પુસ્તક મારા પગ પાસે આવી પડ્યું, “મારી દ્રષ્ટિએ જોઈ શક્શો?”

હું વિચારમાં પડી.. એ કહે, “હું મારો પરિચય આપું..”

મારા આશ્ચર્ય વચ્ચે એમાંથી સિંહાસનનું ચિત્ર સળવળ્યું.

“હું એટલે બત્રીસ કઠપૂતળીઓથી સુસજ્જ રાજા ભોજનું સિંહાસન. અગર એ રાજા ભોજને મળ્યું ન હોત તો, શું અમારી આ બત્રીસ પૂતળીઓની વાર્તા અસ્તિત્વમાં હોત? ચલો છોડો મને મારા વખાણ જાતે કરવા નથી ગમતા છતાંય જણાવી જ દઉં કે હું મૂળ તો ચક્રવર્તી રાજા  વિક્રમાદિત્યનું સિંહાસન. એ રાજા જે સિંહથી જરાય ઉતરતો ન કહેવાય.

મારી રચના થઈ ત્યારે મેં નહોતું વિચાર્યું કે મારી શોભા વધારવા માટે બત્રીસ પૂતળીઓ કંડારવામાં આવશે. જે મારા નિર્જીવ લાગતા શરીરમાં પ્રાણ પૂરશે. સિંહાસનને સજીવ થઈ જવાની ઈચ્છા કંંઈ એમ જ નહીં થઈ હોય! બત્રીસ બત્રીસ સ્ત્રીઓને પોતાના નિર્જીવ શરીર ઉપર ઢાળવા દીધા પછી મારા મનમાં ઘણાં મીઠાં સ્પંદનો જાગ્યા. એમની સાથે જીવંંત થઈ જવાની ઈચ્છાય થઈ. જ્યારે એમનો આકાર આપવા મારા ઉપર હથોડી અને ટાંકણાં ટોચવામાં આવતા ત્યારે મેં સહેજેય વેદના અનુભવી નહોતી. એક પછી એક બત્રીસ સ્ત્રીઓનું મારા જીવનમાં થયેલું આગમન ખૂબ ગમ્યું હતું. એ જોઈને દરબારની અન્ય નિર્જીવ વસ્તુઓ મારાથી ઈર્ષ્યા કરવા લાગી હતી. પણ હું તો ખુશ ખુશ.. ચારે તરફથી મંદ મંદ મધુર સંગીત સંભળાતું રહ્યું. અન્ય દેશના રાજાઓ આવીને જ્યારે મારા વખાણ કરતા ત્યારે હું વધુ ગર્વ કરતું.”

અચાનક ઉદાસ સ્વરે બોલ્યું.” આ તો તું મારામાં રસ દાખવે છે એટલે કહું છું. બાકી અમને કોઈ ક્યાં કઈ ગણે જ છે.”

મેં કહ્યું, “ખૂબ રસપ્રદ છે તારી વાત..”

ફરી એણે બોલવાનું ચાલુ કર્યું, “રાજાની ઉદાસી, એના નિર્ણયો, એના પરાક્રમો, એની વિરુદ્ધ રમાતી રમતનું એક માત્ર સાક્ષી હું હતું. ખુશીમાં મારા હાથાને પંપાળવું. ગુસ્સામાં એ જ હાથા પર હાથ પછાડી લોહી વહેવડાવવું. એ લોહીમાં મારોય સિસકારો ભળતો. રોજની એમની અલગ અલગ રીતે બેસવાની ઢબ. હું એમના આગમનની રાહ જોતો. બધું જ મારામાં અકબંધ હતું. રોજ બદલાતી ગાદી પરના વસ્ત્રો, વસ્ત્રોની મુલાયમતા, રાજાને બેસવામાં આરામ આપતા રૂની પસંદગી. એ દરેક કામ વખતે કામદારોની થતી વાતચીત. મારી ચમક જરાય ઝાંખી ન થાય તે માટે લેવાતી કાળજી. ક્યારેક રાજાના મુગટનો મારા મસ્તક સાથે થઈ જતો સ્પર્શ. મને વિક્રમાદિત્યનું સિંહાસન હોવાના ગર્વમાં વધારો કરતું.”

અચાનક રોમાંચ અનુભવતું હોય એમ બોલ્યું. “ક્યારેક વિક્રમાદિત્યનું અંગવસ્ત્ર ખભેથી સરકી બત્રીસમાંથી કોઈ પૂતળીને અડતું ત્યારે પૂતળીઓ સાથે મારાંય રોમે રોમ રોમાંચિત થઈ જતા.”

સાચું કહું તો આ કલ્પના મનેય રોમાંચિત કરી ગઈ.

“કહે છે ને કે એકવાર અભિમાન આવ્યું એટલે પતન નક્કી છે. આ વાત માત્ર સજીવ પૂરતી જ મર્યાદિત નથી. દરબાર ખાલી થયા પછી ત્યાં ઉપસ્થિત અન્ય નિર્જીવ સાથેના ઝગડા. મેં મારા રૂપ અને મહત્વ સાથે એમની અજાણતાં કરેલી સરખામણીથી ઘણાનું દિલ દુ:ભવ્યું હતું. કદાચ એમાંથી જ કોઈ એકના શ્રાપ રૂપે વર્ષો સુધી હું કોઈ રાજાનું આસન બની ન શક્યું.

“વર્ષો પછી એક ખોદકામ દરમ્યાન રાજા ભોજના હાથ લાગ્યું. ખોવાઈ ગયા બાદ મેંય અમુક સમય અજ્ઞાતવાસમાં પસાર કર્યો. આગળ કહ્યું એમ કોઈ શ્રાપ રૂપે પણ હોય!  આખો સમયગાળો હું બત્રીસ પૂતળીઓ સાથે એકલતામાં રહ્યો. એ દરેક પળમાં મારી કેવી અનુભૂતિ રહી હશે, એ તરફ તો કોઈ વિચારતું જ નથી. બત્રીસ વચ્ચે હું બિચારું! આખો અલગ ગ્રંથ લખી શકો એટલું મારા મનમાં ભર્યું છે!

મને અને બત્રીસ પૂતળીઓને ખબર નહોતી કે અમે હવે રાજા ભોજના દરબારની શોભા થઈશું. અને મારાં પર કંડારાયેલી પૂતળીઓ સજીવન થઈ વિક્રમાદિત્યના પરાક્રમો સંભળાવશે. જો પૂતળીઓ જેવી વાચા મને પણ મળી હોત તો!”

હું વિચારમાં પડી.

“તો હાલમાં તું ક્યાં છે?”

પણ ત્યાં કોઈ હાજર નહોતું. સિંહાસન પાછું પુસ્તકમાં સમાઈ ગયું હતું.

– શીતલ ગઢવી

Leave a comment

Your email address will not be published.

One thought on “‘સિંહાસન બત્રીસી’નું સિંહાસન : પાત્રાલેખન – શીતલ ગઢવી”