ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

“સર્જન” સાથેનો અનુભવ – ભારતીબેન ગોહિલ

અમે એક ડાળનાં પંખી..!

‘કોઈ બનાવે જહાજ શબ્દોનું,
મોકલે દરિયા પાર,
કોઈના શબ્દો સમીર બનીને,
જાય જંગલની આરપાર!’

જ્યાં શબ્દોના જહાજ બને છે, શબ્દો સમીર બનીને જંગલની આરપાર જાય છે, એવું એક નામ એટલે સર્જન!

જ્યાં માત્ર શબ્દો જ નહીં માનવીય સંવેદનાઓ પણ સતત ધબકતી અનુભવાય છે એવું એક નામ એટલે સર્જન!

એક એવી ઘટાટોપ વૃક્ષની ડાળ જ્યાં સૌ કોઈપણ ભેદભાવ વગર પોતપોતાનું સર્જન લઈ આવે અને કાંઈક નવું પામે એવું એક નામ એટલે સર્જન!

જોતજોતામાં તો ‘સર્જન’માં જોડાયાને લગભગ બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો. ખરું કહું તો અહીં જોડાયા પછી મારાં મૌલિક લેખનને એક સાચી દિશા મળી છે. આમ જોઈએ તો આ ગ્રુપ માઈક્રોફિક્શન સ્ટોરીનું. પણ માઈક્રો- ફિક્શન સ્ટોરી ઉપરાંત તેમાં ઉત્તમ સાહિત્ય, સાહિત્યના વિવિધ પ્રકાર, સાહિત્યક્ષેત્રે વિશ્વમાં ચાલી રહેલ પ્રવાહ, સાહિત્ય સ્પર્ધાઓ, સોશ્યલ મીડિયા અને સાહિત્ય વિગેરે અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે જેથી સૌના જ્ઞાનમાં વધારો થતો રહે છે.

અહીં જોડાયા પહેલા એવું સાંભળવામાં આવતું કે અત્યારે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, સાહિત્યનું ખેડાણ ઓછું થતું જાય છે, સાચી જોડણી પ્રત્યે નવી પેઢી ગંભીર નથી અને આ બધાંથી આપણી લાડલી ગુજરાતી માતૃભાષા ધીમે ધીમે મૃતપાય થતી જાય છે… આવું તો ઘણું બધું.

પરંતુ અહીં જોડાયા પછી અનુભવાયું કે આપણી માન્યતા ખોટી છે. સાહિત્યનો પ્રવાહ આજેપણ નવી પેઢીમાં ખળખળ કરતો વહી જ રહ્યો છે! કદાચ સાહિત્ય હાથવગું (કે મોબાઈલવગું) થઈ જવાથી એ પ્રવાહને નવી ગતિ મળી છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે.

એક વિશેષ બાબતની નોંધ લેવી ઘટે. અહીં મને કલ્પના પણ નહોતી એવા ઉત્તમ મિત્રો મળ્યાં છે… માર્ગદર્શકો મળ્યા છે, વિશેષજ્ઞો મળ્યા છે જેઓને મારું સર્જન જ્યાં પણ ગમ્યું ત્યાં મને સતત પ્રોત્સાહિત કરી અને હજુ પણ આગળ વધવા પ્રેરણા આપી છે. અંગત રીતે કહું તો જીવનમાં જે સમયે ટેકાની જરૂર અનુભવાઈ એવા સમયે સૌએ હૂંફ આપી છે. માનવીય સંવેદનાઓથી છલોછલ અા સર્જકગ્રુપ કોઈપણ ભેદભાવ સિવાય સૌને એકસરખા આવકારે છે ગ્રુપની આ આગવી વિશેષતા જ ગણી શકાય.

ક્યારેક પ્રોમ્પ્ટ, ક્યારેક ચિત્ર, ક્યારેક થીમ તો ક્યારેક વળી ફ્રી ટાસ્ક પર માઈક્રોફિક્શન સ્ટોરી રાઈટિંગ સર્જકો પાસે કરાવવામાં આવે છે.. લખાયેલી વાર્તાઓને પહેલા ગ્રુપમાં ચર્ચા માટે મૂકાય છે. રહી ગયેલી કચાશ અંગે સૌ બિલકુલ સહજતાથી ચર્ચા કરે છે જેનાથી સૌને પોતાનું લખાણ સુધારવાની તક મળે છે.

સર્જન આયોજિત બે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડ્યું છે. સુંદર આયોજન, સહુની સહભાગિતા, અભ્યાસુ વક્તાઓ, ટેકનોલોજીનો સમન્વય અને શ્રેષ્ઠ આપવાની ભાવના કાર્યક્રમને આગવી ગરિમા બક્ષે છે. સાંસાઈ, ભદ્રંભદ્ર, અલી ડોસો અને મા નર્મદા તો જાણે હૃદયસ્થ થઈ ગયા છે!

કોઈપણ સફળ કાર્ય પાછળ કોઈનું સ્વપ્ન, કોઈની આવડત, કોઈની દીર્ઘદૃષ્ટિ તો કોઈની આગવી કુનેહ કામ કરતી હોય છે. અહીં સર્જન પરિવારને શ્રી જીગ્નેશભાઈ અધ્યારૂએ પોતાની ટચલી આંગળીએ ઉપાડી લીધું હોય તેવું અનુભવાય છે. કહેવાય છે કે રોટલો કેમ બનાવવો તે મોટું કામ નથી પણ તેને મીઠો કેમ બનાવવો તે કલાનું કામ છે! આ રોટલાની જેમ જ કંઈ કેટલાયની સાહિત્યિક ભૂખ ભાંગતી સર્જનપ્રક્રિયાને આગવી કેમ બનાવવી એ તેઓ સારી રીતે જાણે છે અને એટલે જ તેમનું બહુઆયામી વ્યક્તિત્વ સર્જન અને સર્જકોને પણ ફળ્યું છે.

માઈક્રોફિક્શન સ્ટોરી રાઇટિંગ, વાર્તાઓનો પ્રસાર- પ્રચાર, સ્ટોરીના આધારે શોર્ટફિલ્મ, નાટ્ય રૂપાંતર, વાર્તાકથન, પ્રકાશન જેવાં અનેક ક્ષેત્રે સર્જનની ક્ષિતિજો સતત વિસ્તરતી જ જાય છે!

જીગ્નેશભાઈ ઉપરાંત સર્જનગૃપને નીલમબેન, રાજુલબેન, હાર્દિકભાઈ જેવાં અનેક સાહિત્યકારોની આવડતનો લાભ મળી રહ્યો છે એ સૌ માટે ગૌરવરૂપ બાબત છે. આવા એક ઉત્તમ ગ્રુપના સભ્ય હોવાનું મને ગૌરવ છે.

સર્જનનું સર્જન ઉત્તરોત્તર બળકટ બને એવી ઈશ્વરને પ્રાર્થના. સાથે સાથે સૌ મિત્રોને દીપાવલીના પર્વની શુભકામનાઓ.

– ભારતીબેન ગોહિલ

Picture Angel : Yashaswi Chintan Joshi; Daughter of Priyanka Joshi

Leave a comment

Your email address will not be published.

2 thoughts on ““સર્જન” સાથેનો અનુભવ – ભારતીબેન ગોહિલ”