
લક્ષ્મી સવારે કામ પર આવતાંવેંત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું. દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ. પણ આજના જખમ વધુ ઉંંડા હતા.
“લક્ષ્મી, ક્યાં સુધી આ બધું સહન કર્યા કરીશ. રોજ મરવાને વાંકે જીવવાનું? હવે તો તારે હિંંમત કરવી જ પડશે. આ નરકમાંથી છૂટવા.. હવે નહીંં તો ક્યારેય નહીં.” વૈભવીના શબ્દોથી લક્ષ્મીનો આત્મવિશ્વાસ આળસ મરડીને બેઠો થયો..
“તમારી વાત તો હાચી, આ નરક બહુ ભોગવી લીધું, પણ બેન, તો.. તમેય હિંમત કરી જ લો નરકમાંથી બહાર નીકળવાની.. સોનાનું હોય તોય નરક ઈ નરક જ હોય..” લક્ષ્મીની ધારદાર આંખો જેવી જ વાતથી બચવા વૈભવીએ પીઠ ફેરવી લીઘી, આંખોમાં ડોકતા ભયને છુપાવવા જતા બરડો ઘણું બધું બોલી ગયો.
“વૈભવી.. વ્હેર ધ હેલ આર યૂ? તને કેટલી વાર કહ્યું છે કે મારી વસ્તુઓને નહીં અડવાનું? કેમ અડી મારા મોબાઈલને?” વૈભવના ગુસ્સાથી વૈભવીની સાથે આખો બંગલો ધ્રુજી ઉઠ્યો.
સટાક… સટાક…
અને એક મોટા ભૂકંપ સાથે બંગલો આજે ફરીવાર ધ્રુજ્યો. લક્ષ્મીના હાથની મુઠ્ઠી વધુ જોરથી બીડાઈ ગઈ.
– રેના પિયુષ સુથાર
5 thoughts on “બળવો (માઈક્રોફિક્શન) – રેના પિયુષ સુથાર”
વાહ..
એક પગલું હિમતનું જ્યાં ભરાય પાઠ તો જ ભણાવાય
Aabhar લતાદીદી
Saras prayas.. end haju dhardar bani shake!
Sure ….thq dear
સારી વાર્તા