જીવ – મીનાક્ષી વખારિયા

હવે બચ્યા-ખૂચ્યા શ્વાસ ડચકિયા લઈ રહ્યા છે. આપ્તજનો મારી અંતિમક્રિયાની તૈયારીમાં પણ લાગી ગયા હશે. તોયે હું હજી અગતિયાની જેમ આઈ.સી.યુ.ના દરવાજા તરફ મીટ માંડી રહ્યો છું. મારું દિલ કહે છે કે મારી હાલતના સમાચાર તારા સુધી પહોંચ્યા જ હશે. તું આવ્યા વગર નહીં રહે એની મને ગળા સુધી ખાતરીયે છે. બહુ થયું હવે, મારી અંતિમ ઇચ્છાને માન આપી આવી જાઓ એટલે તમારા બંનેની તસવીર આંખોમાં ભરી નિરાંતે વિદાય લઉં. મન થતું કે મોબાઈલથી તારી સાથે વાત કરી લઉં પણ તું મારો ફોને ઉપાડે જ નહીં તો? આમેય આઈ.સી.યુ.માં મોબાઈલ રાખવા નથી દેતા. વળી મારામાય ક્યાં ફોન પકડવાની કે વાત કરવાની તાકાતેય હતી?

મારી પત્ની અને પરિવારજનો બહુ જ પ્રેમથી મારી સેવા કરે છે. બસ..તું નથી, એ ખાલીપો જીરવાતો નથી. તારી ખોટ પડી છે ત્યાં પસ્તાવાએ અડિંગો જમાવી દીધો છે. આપણી નિર્દોષ મિત્રતાનો, ક્ષણિક શારિરીક મોહે ક્યારે છેદ ઉડાડી દીધો ને આપણે અક્ષમ્ય ભૂલ કરી બેઠા. એ ભૂલનું પરિણામ ભોગવવા સમાજની સામે થવા તું તૈયાર હતી પણ હું નપાણિયો મારા માતાપિતાએ કંડારેલી મારા જીવનની રૂપરેખામાં સમાઈને રહી ગયો. હરફ સુધ્ધાં ઉચ્ચારી ન શક્યો. એ ગુનાનો ભાર વેંઢારી થાકી ગયો છું. ખરા દિલથી મારે તારી માફી માંગવી છે. ઘણીવાર તારો સંપર્ક કરવાની કોશિશ કરી પણ તે તારાં મનનાં કમાડ એવા સખત્ત ભીડી દીધેલાં કે મારો એક નિ:સાસો પણ અંદર પ્રવેશી ન શક્યો.

***

મારી અંતિમયાત્રાની તૈયારી ચાલી રહી છે. મારી નજર ટોળામાંથી તમને શોધવા ફરી વળી છે. માંડ તું દેખાઈ, આપણાં બાળકને વળગીને તું ઊભી હતી. તારી આંખોમાં બાઝેલો ભેજ મને દેખાયો ને મારો જીવ ફરી સળવળી ઉઠ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *