અસ્તિત્વ – હિરલ કોટડીયા

 

“સાહેબ, રાતે હું મારી કેબીનમાં સૂતો હતો ત્યાં અચાનક સામેની હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરું જોરથી રડયું. કંઈક અજુગતું થયાનો અણસાર આવતા હું બહાર નીકળ્યો, ત્યાં એક સફેદ કપડાંવાળા, બેઠીદડીના માણસને બંધૂક સાથે બહાર નીકળતા જોયો.”

 

ચોકીદારની જુબાની સાંભળી કોર્ટમાં નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. લોકો પેલા બેઠીદડીના માણસ વિશે ગપસપ કરવા લાગ્યા. અને હું તો એ જ અસમંજસમાં હતો કે કૂતરું કેમ રડયું હશે! રાઘવના સફેદ કપડાં જોઈને કે કંઈક બીજું ખરેખર અમંગળ થયું હશે!

હું પણ તે સમયે ત્યાં ખંડેર કે જે એક સમયે હોસ્પિટલ હતી ત્યાં હતો. રાઘવને મળીને પાછો ફરતો હતો. પછીનું કદાચ હું ભૂલી ગયો છું. અત્યારે કોર્ટમાં કોઈને મારી હાજરીની જરૂર નહી વર્તાઈ હોય! એટલે હું  પ્રેક્ષકગણમાં ઊભો છું.

 

“ઑર્ડર! ઑર્ડર!”

હું તંદ્રાવસ્થામાંથી બહાર આવ્યો. કોર્ટ નવી તારીખ આપીને વિખેરાઈ રહી હતી.

અરે, આ શું? હું દિવાલમાંથી પણ બહાર નીકળી શકું છું? હું જીવતો નથી?

અને મને જોઈને કોર્ટની બહાર ઊભેલું કૂતરું જોરથી રડયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *