ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

લઈ લે એક બટકું!

એક બટકું – સોનિયા ઠક્કર

“લઈ લે એક બટકું!” વિરાટ શેઠે પોતાના માનિતા નોકર વિજય સામે મીઠાઈ ધરી. રોજની જેમ આજે પણ તેણે એક ટુકડો મોંમાં મૂક્યો.

બે કલાકમાં તો હવેલીમાં હોહા થઈ ગઈ. શેઠના મોંમાંથી ફીણ નીકળતું હતું! તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ત્રણેય દીકરાઓએ વિજય તરફ શંકા દાખવી, પોલીસે ગુનેગારને ઝડપી લીધો.

ડૉક્ટરે મહામુસીબતે શેઠને બચાવ્યા, સૌને હાશ થઈ.

*

જેલના સળિયા ગણતો વિજય પોતાને કોસતો રહ્યો. ધનની લાલસામાં અન્નદાતાને મારવાના પ્રયાસને ધિક્કારી રહ્યો. આંસુભરી આંખમાં દિવાળીની રાત ઝળહળી ઊઠી… ઝૂંપડપટ્ટીમાં લોકોને મીઠાઈ વહેંચતો દેવપુરુષ તેની નજીક આવી ઊભો રહ્યો, હાથ લંબાવ્યો. પણ ડરથી ફફડતો અનાથ કંઈ ન લઈ શક્યો.

“લઈ લે એક બટકું!” સ્મિત સાથે શેઠે કહ્યું હતું.

પછી તો શેઠે એનો હાથ ઝાલી હવેલીમાં કામ આપી જીવતર સુધારી દીધું. કાયમ શેઠને ખાવાનું આપતો ત્યારે એક ટુકડો એમાંથી મળતો જ! એટલે પેલી મીઠાઈમાં એણે એક ટુકડો…

“એઈ ચાલ ઊભો થા. શેઠે ફરિયાદ પાછી ખેંચી છે. તું છુટ્ટો છે જા.” પોલીસે છોડી મૂક્યો. આનંદ ને આશ્ચર્યના ભાવ સાથે વિજયે હોસ્પિટલ તરફ દોટ મૂકી.

આઈ.સી.યુ.માં પહોંચી શેઠના પગે પડી રડી પડ્યો. થોડી વારે હિમ્મત કેળવી ઊભો થયો. કાયમી સ્મિત ઓઢીને બેઠેલા શેઠે સફરજનની ડીશ લંબાવતા કહ્યું, “લઈ લે એક બટકું!”

શેઠ-નોકરનો મિલાપ જોઈ રહેલી એક વ્યક્તિ ડરથી ફફડીને બહાર નીકળી ગઈ.

Leave a comment

Your email address will not be published.