ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એટલે થોડુંક મોડું થયું

ખુલાસો – રાજુલ ભાનુશાલી

એણે ડૉરબૅલ વગાડવા હાથ ઉઠાવ્યો પણ દરવાજો ખુલ્લો જ હતો! એના હૃદયના ધબકારા વધી ગયા. એ દરવાજો હડસેલીને ફફડતી ઘરમાં પ્રવેશી.

આરામ ખુરશીનું કીચુડ કીચુડ બંધ થઈ ગયું. પિતાની ઠંડી આંખો લોલકવાળા ઘડિયાળ તરફ ફરી.

“પપ્પા! આજે એક્સ્ટ્રા લેક્ચર હતું ને એટલે થોડુંક મોડું થયું,” બોલતાં એની પાંપણો ઢળી પડી.

*

હજુ ફાઇલ અને પર્સ ટૅબલ પર મૂકી ને શ્વાસ લીધો ત્યાં જ પ્યૂન આવ્યો. “સાહેબાંની બોલવ્લેય.” એણે હળવો નિઃશ્વાસ મૂક્યો અને બોસની કૅબિન તરફ ચાલી.

દરવાજો નૉક કરીને  અંદર પ્રવેશી. ટેબલની પેલે પારવાળી રીવોલ્વીંગ ચૅર ગોળ ગોળ ફરતી અટકી ગઈ. બૉસની સપાટ આંખોએ જમણા હાથમાં પહેરેલી રાડોની ઘડિયાળમાં જોયું.

“સોરી સર, આજે દીકરાની સ્કૂલમાં પીટીએ મીટિંગ હતી એટલે થોડુંક મોડું થયું,” હજુ એ પૂરું બોલી લે એ પહેલા તો પેપરની થપ્પી એની તરફ સરકી અને હુકમ છૂટ્યો,” આ કામ આજની તારીખમાં પૂરું થઈ જવું જોઈએ.” એણે પેપર્સ લેવા હાથ લંબાવ્યા.
*

પર્સમાંથી ચાવી કાઢીને એણે લેચ ખોલ્યું અને ઘરમાં દાખલ થતાં હાશકારો અનુભવ્યો. શાકની થેલી અને પર્સ હજુ ટેબલ પર મૂક્યાં ન મૂક્યાં ને  નજર રિક્લાઈનર ચૅર પર પડી. સૌમ્ય આવી ગયો હતો. એણે કરડી આંખોએ પ્રથમ મોબાઇલમાં જોયું અને પછી પ્રશ્નાર્થ નજરે એને તાકી રહ્યો

“અરે તમે આવી ગયા! આજે છે ને ઑફિસમાં ઘણું કામ હતું. એક નવો પ્રોજેક્ટ છે એટલે થોડુંક મોડું..”

Leave a comment

Your email address will not be published.