ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એ ટીકીટમાં મધુરીનો ચહેરો ઉપસી આવ્યો

ખાલીપો – વિભાવન મહેતા

ટ્રેનમાંથી ઉતરી મેં રોજની જેમ ઓંફીસ જવા માટે ૯.૪૦ની બસ પકડી. કન્ડક્ટર આવ્યો. મેં કહ્યું,”બે લાલ દરવાજા.”

કન્ડક્ટરના ચહેરા પરના હાવભાવ જોતાંની સાથેજ બસનું છાપરું તોડીને મારા માથા પર આભ તૂટી પડયું. ‘હા, હવે એ ક્યાંથી હોય?’

મેં કહ્યું,” એક…એક લાલ દરવાજા.”

ટીકીટ લઈને સીટ પર બેઠો ને હાથમાં પકડેલી એ ટીકીટમાં મધુરીનો ચહેરો ઉપસી આવ્યો અને પછી ટીકીટનો એ લંબચોરસ ટુકડો મને ઘસડીને ભૂતકાળમાં  લઈ ગયો.

હું અને મધુરી સાથેજ ૯.૪૦ની બસ પકડતાં. રોજ મધુરીજ બારી પાસે બેસતી અને રોજ હું જ બે ટીકીટ લાલ દરવાજાની લેતો, ઓંફીસ પહોંચીને તરત જ બે મિનિટના અંતરે આવેલી મધુરીની ઓફીસે ફોન કરીને પૂછી લેતો,’પહોંચી ગઈ ને?’

“આ ટીકીટમાં એવું અને એટલું બધું તે શું લખેલું છે?” બાજુમાં બેઠેલી યુવતીએ પૂછ્યું. મેં કહ્યું,” કાંઈ નહીં.” પછી મેં શોલ્ડરબેગમાંથી એક ઝીપલોંક બેગ કાઢી, તેમાં મુકેલી બીજી અસંખ્ય ટીકીટોની થપ્પીમાં આજની ટીકીટ મુકી દીધી, પછી એક કોરા કાગળમાં ઉપરના ભાગે લખ્યું…

મારી મધુરી,

જત જણાવવાનું તને…

પછી છેક નીચે લખ્યું… તારો (?) અવિનાશ..

યુવતીએ ત્રાંસી આંખે જોયું હશે એટલે પૂછ્યું, “આ વચ્ચે ખાલી કેમ?”

મેં કહ્યું,”એજ ખાલીપો… મારી મધુરી સમજી જશે.”

યુવતી બોલી, “મને મારી મોટી બેન યાદ આવી ગઈ. એના લગ્ન અમારા મા-બાપુએ નક્કી કરી દીધાં છે… આવતે મહીને… એ પણ બિચારી ઓંફીસ જતી નથી અને બારી પાસે સૂનમૂન બેસી રહે છે.” હવે મેં પૂછ્યું,” એનું નામ શું છે?” હવે યુવતી ચોંકી ઉઠી,”એનું નામ…”

એ આગળ બોલે ત્યાં તો કન્ડક્ટરની બૂમ સંભળાઈ, “લાલ દરવાજા… છેલ્લું સ્ટોપ.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *