અલાર્મ – મીરા જોશી

અલાર્મ વાગ્યું.

બારી બહાર મળસ્કાના આકાશને તાકી રહેલી બે જાગતી આંખોની તંદ્રા તૂટી. ને તેનાથી અનાયાસ બાજુના ખાલી પડખે જોવાઈ ગયું, જ્યાં મૃત સૌભાગ્યના ડૂસકાંઓ હજુ પણ શ્વાસ લેતા હતાં.

એના માથા પર હળવું ચુંબન કરી તેણે મલકાતા ચહેરે અલાર્મ બંધ કર્યું અને બંને માટે ટીફીન બનાવવા ઉઠી.

સાત વાગ્યે..

તે નહાવા માટે ગઈ, તુરંત વિનય તેની પાછળ ઘસી આવ્યો, વરસતા પાણીમાં બંનેની રાત ધોવાતી ગઈ અને નવી યાદોની કુંપળ ફૂટી.

આઠ વાગ્યે..

વિનયને ટાઈ બાંધતી વખતે અચાનક ડોરબેલ રણકી.

દૂધ લઈને તે રૂમમાં પ્રવેશી અને વિનયનું નિશ્ચેતન શરીર..!

એક ચીસ અને.. બધું જ સ્તબ્ધ..

ફરી એલાર્મ વાગ્યું.

બારી બહાર મળસ્કાના આકાશને તાકી રહેલી બે જાગતી આંખોની તંદ્રા તૂટી ને તેનાથી અનાયાસ બાજુના ખાલી પડખે જોવાઈ ગયું, મૃત સૌભાગ્યના ડૂસકાંઓ અવિરત ચાલુ હતાં.

સ્થિર સમયને ઢંઢોળવા મથતું, કોઈના ‘જાગવાની’ રાહ જોતું અલાર્મ અણરોક વાગે છે, વાગી જ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *