ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બેગ મૂકતી વખતે ટચલી આંગળી ફસાઈ જતાં હળવી ચીસ ફૂટી આવી

પીડા – ધવલ સોની

બેગ મૂકતી વખતે ટચલી આંગળી ફસાઈ જતાં હળવી ચીસ ફૂટી આવી. મનમાં હતું કે આશ્કા દોડતી આવશે પણ…

પહેલાં તો સહેજ તાવ જેવું લાગે કે આશ્કા ધાબળો લઈને ભેટી પડતી. સંબંધોનો એ ગરમાવો હવે મૌનની માવજત પાછળ ઠંડો પડી ગયો હતો. સફરનો રોમાંચ જવાબદારીઓ નીચે ચગદાઈ જવાના ડરથી આશ્કા ઉબાઈ રહી હતી.

બે ત્રણ વાર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ દરવખતે ગાયબ થઈ ગયેલી નિખાલસતા માત્ર ખાઈ વધારવાનું કામ કરતી. નામ વગરના સંબંધને આકાર આપવા માટે આશ્કા તૈયાર નહોતી. પોતાના શરીરની ચિંતા કરતી આશ્કા નવા શરીરની જવાબદારી લેવામાં ડરતી હતી.

દરવાજો બંધ કરતી વખતે વિચાર આવી ગયેલો કે આશ્કા હમણાં પાછો બોલાવી લેશે. બંને વચ્ચેની આગ કાલે ભડકો થઈને વરસી ત્યારે જ નિર્ણય લેવાઇ ગયેલો કે લીવ ઇન રિલેશનશીપ પૂરી કરીને તે આવતીકાલે નવા પ્રવાસે નીકળી પડશે. આજે સવારે આશ્કા “બાય” કહ્યા વગર જ બાથરૂમમાં દોડી ગયેલી. ગાડીમાં બેગ મૂકતી વખતે તેનું ધ્યાન દરવાજા પાસે આવી પહોંચેલી આશ્કા પર પડ્યું. મૌનાવસ્થામાં ઉભેલી આશ્કાની આંખમાં પહેલીવાર અજીબ ચમકારો જોવા મળ્યો. આંખમાં તરવરી રહેલી ભીનાશ જૂના સંબંધોને નવું રૂપ આપવાનો જાણે પ્રયાસ કરી રહી હતી. બંનેની આંખ મળી, આશ્કાનો હાથ અજાણપણે પોતાના પેટ પર ફર્યો ને ટચલી આંગળીએ ક્ષણભરમાં વર્ષોની પીડા ભૂલાવી દીધી.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: