મહોરું – પાર્મી દેસાઈ

અન્ય એક સેવિકા એનો હાથ પકડીને આશ્રમના છેવાડાના કક્ષમાં લઈ ગઈ.

“નસીબ માન કે હજુ તને આવ્યે માંડ બે દિવસ જ થયા છે ને બાપુએ તારા પર કૃપા વરસાવવાની ઈચ્છા કરી..”

“પણ આ કક્ષ તો…”

સફેદ ચાદર આચ્છાદિત પલંગ અને ફુલોથી સજેલો રૂમ જોઈ કુંતલના પેટમાં શૂળ ઉપડી. સેવિકા કુંતલના હાવભાવ જોઈ સહેજ પીગળી અને અસલ સ્વભાવે આવીને બોલી; “કોઈને ચહેરો નથી કુંતલ, મ્હોરાં પાછળનો પુરુષ વાસના ભૂખ્યો જ હોય…ભલે પછી એ સંસારી હોય કે પછી આવો ઠગી સન્યાસી.” સેવિકાની વેદના સ્પષ્ટ જોવાતી હતી.

સત્સંગ પત્યા પછી બાપુ કૃપા વરસાવવા આશ્રમના છેવાડા તરફ વધ્યા. કુંતલનું નખશિખ રૂપ જોઈ બાપુની આંખોમાં વાસનાનો જ્વાળામુખી ફાટ્યો.

* * *

મોટા સાયરન સાથે એમ્બ્યુલન્સ આવી. પેલી સેવિકા મનોમન કુંતલની દયા ખાતી તેણે સ્ટ્રેચર તરફ દોટ મૂકી. તેના પગ થંભી ગયા.. લોહીલુહાણ બાપુની એમ્બ્યુલન્સ આગળ અને પાછળ બીજી સાયરન વાળી ગાડીમાં કુંતલ નીકળી.

સેવિકા કુંતલને બૂમ પાડે ત્યાં અવાજ આવ્યો… “મેડમ અભી ડ્યુટી પર હૈ… બાદમેં મિલના.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *