ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

નફરત છે મને આવા કામ પર

અણગમતું કામ – નિમિષ વોરા

“દાદા, આ મારી બાની જવાબદારી મારી પર ના હોત તો ક્યારેય હું આવી નોકરી સ્વીકારત નહીં. મારા જેવો ડ્રાયવર આપણા ગામમાંજ નહીં પણ આખા જિલ્લામાં નહીં મળે.. છતાં જુઓ હાલત, સામે ચકચકિત ગાડી છે, ટાંકી ભરેલી છે, પાવર સ્ટિયરિંગ છે તોય દરરોજ સાફ કરી કમ્પાઉન્ડમાં એક નાનો રાઉન્ડ લગાવી ફરી બંધ કરી દેવાની.. નફરત છે મને આવા કામ પર..”

“રઘુ, હજુ માંડ દસ દિવસ થયા તારે નોકરીને.. ગામ નાનું છે.. ભગવાનની કૃપા કે તારે ગાડીનો ઉપયોગ નથી કરવો પડ્યો”

રઘુ અને કમ્પાઉન્ડર દાદાની વાત ચાલતી હતી ત્યાં જ રઘુને હોસ્પિટલમાંથી મળેલ ફોન રણક્યો.. પૂરા દસ દીવસ મૂંગો રહેલો એ ફોન તરત રઘુએ ઉપાડ્યો.. સામે છેડેથી ડોક્ટર ઉતાવળે બોલ્યા, “રઘુ, ૧૫ કિમિ દૂર હાઇવે પર ઢાબા પાસે એક બાઇકને અકસ્માત થયો છે, તું તરત નીકળ”

ફોન કટ કરી રઘુ રીતસરનો દોડ્યો.. તેનો પહેલો ‘પ્રોજેક્ટ’ હતો. ગાડી રીતસરની મારી મૂકી ને બીજી પંદર મિનિટે તો દર્દી સાથે હોસ્પિટલમાં હતો.. ત્યાં એક માજી રીતસરનું આક્રંદ કરતા હતાં.

રઘુનું ‘કામ’ પતી ગયું હોવા છતાં તે ઓપરેશન થિયેટર બહાર બેસી રહ્યો… પૂરા ત્રણ કલાક..

ડૉક્ટર બહાર આવતાં જ પેલી સ્ત્રીએ ઘૂંટણીયે પડી પોક મૂકી, “સાહેબ બચાવી લો મારા દીકરાને, એ એક જ મારા જીવનનો આધાર છે..”

ડૉક્ટરે તેમને ઉભા કરી સાંત્વના આપતાં કહ્યું “માજી, ફક્ત પાંચ જ મિનીટ માટે આપણે ઉપરવાળાની કોર્ટમાંથી કેસ જીતી ગયા.. જો પાંચ જ મિનીટ મોડું થયું હોત તો….”

ડૉક્ટર પાછળ ઉભેલા કમ્પાઉન્ડર દાદાની નજર રઘુ પર ગઇ.. તેની આંખોની ભીનાશ જાણે કહી રહી હતી.. “મને આ કામ ગમે છે.”

Leave a comment

Your email address will not be published.