સામસામેના બાંકડે ગોઠવાયેલ બંને ક્યારથીય એકમેકના સંપૂર્ણ શરીરને નજરોથી પી રહ્યા હતા. ચાલીસી વટાવી ગયા હોવા છતાં નોકરી, દેખાવ અને લગ્નની ઇચ્છાના અભાવે બેઉ અપરિણીત રહી ગયેલા. આવેશભરી મનેચ્છાઓને પામવા બંને બગીચાની છેલ્લી નિર્જન દીવાલ પાસે ક્યારે પહોંચી ગયા એનુંય ભાન ન રહ્યું.

દીવાલને અઢેલીને લગોલગ આવતાની સાથે શર્મિંદી પાંપણો ઝૂકી ગઈ. ‘કોઈ જોતું તો નથી ને?’ એની ખાતરી કરીને બંનેના હાથ એકમેકની પીઠ પર વીંટળાઈને ચિપકી ગયા. નશીલી ગરદન પર લોહીનું ચાંભું પડી જાય એવા ગાઢ ચુંબન બાદ બંને રોમેરોમ ઉકળી ઉઠેલા દેહને સંતૃપ્ત કરતા રહ્યા.

વિખૂટા ન પડવાની ઇચ્છાને પળભરમાં ધરબી ‘ભવિષ્યમાં આ સંયોગની ક્ષણો જ કામ લાગશે.’ એવું સ્વગત વિચારતા બંનેએ ફરી આવરણો ઓઢી લીધા.

“હવે હું ‘ટેસ્ટ’માં પાસ થઈ શકીશ. એ બદલ આભાર…” આંખોમાં અનોખા ચમકારાસહ કહેતા વસંત હળવું મલકાયો.

“કદાચ હુંય, તારો પણ આભાર.” તરડાઈ ગયેલા હોઠ અજાણ્યા દોસ્તના હોઠે અડાડીને રાજે તરબતર યાદને માનસપટ પર કંડારી લીધી. ને બંને પોતપોતાના લગ્નની દિશામાં આગળ વધ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *