ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ગામમાં બે બાળકો આજે પોતાની કલા બતાવવાના હતા

માનો યા ના માનો – સોનિયા ઠક્કર

 

શહેરથી દૂર પહાડોની વચ્ચે આવેલા ગામમાં બે બાળકો આજે પોતાની કલા બતાવવાના હતા. બ્લેક જ્હોન ને વ્હાઈટ ડેવિડની જોડી કઈ કલા બતાવશે એ ચર્ચાનો વિષય હતો.

થોડી વારમાં કાર્યક્રમ શરૂ થયો. વાયોલિનવાદન શરૂ થયું ને ગામલોકોમાં કલબલાટ શરૂ થયો, ‘આમને અટકાવો’, ‘સંગીત બંધ કરાવો.’

આ વાતોથી બેખબર બાળકો સૂરની સાધનામાં વ્યસ્ત બન્યા. અચાનક ગામની એક વ્યક્તિ ઊભી થઈ મોટેથી બોલી પડી, ‘પ્લીઝ, સ્ટોપ. અમારા ગામને શાપ છે કે જે આ ગામમાં વાયોલિન વગાડશે એ હંમેશને માટે પથ્થર બની જશે.’

બધાં સ્તબ્ધ થઈ ગયા, આ વિશે બંનેને ખ્યાલ જ નહોતો. હવે?

શાપની અસર શરૂ થઈ ગઈ, ઇચ્છવા છતાં તે સૂર રોકી શકતા નહોતા. જ્હોન અને ડેવિડના પગ જડ થયા, મૃત્યુ સામે દેખાતું..

માતાપિતા ગુમાવી ચૂકેલો જ્હોન દાદીને યાદ કરી રડવા લાગ્યો. વૃદ્ધાનો તે એકમાત્ર સહારો હતો.તો પાછળ ઊભેલા ડેવિડની આંખમાં આક્રોશ હતો. અનાથાશ્રમમાં જીવતો મૃત્યુ સામે બાથ ભીડવા કટિબદ્ધ થયો.

ધીમે ધીમે શરીર પાષાણ બનવા લાગ્યું. સંગીત ચરમસીમાએ હતું, ગામલોકો માસૂમ ફૂલને પથ્થર બનતા જોઈ રડી રહ્યાં હતાં.

‘ઊઠ જ્હોન, તારે વાયોલિન વગાડવા જવાનું નથી!’ દાદીએ તેને ઢંઢોળ્યો.

‘હેં?’ ગભરાયેલો જ્હોન પથારીમાંથી બેઠો થયો. આ બધું સ્વપ્ન હતું એવી ખબર પડતાં શાંત થયો. બાજુમાં પડેલાં પુસ્તક પર નજર ગઈ ‘માનો યા ના માનો’.. ને ભયનું લખલખું પસાર થયું.

Leave a comment

Your email address will not be published.