ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વાહ શું અવાજ.. ‘પાંસના પાલ્લે દેજે..’

‘પારલે જી’- જીજ્ઞેશ અધ્યારૂ, આરતી આંત્રોલીયા

‘પાંસના પાલ્લે દેજે..’

મજૂરોની ફોજમાં એ અલગ પડતી, હાઈવેચોકડી પાસે એક તરફ માધાનો ચાનો ગલ્લો, સાથે બિસ્કિટ, ચવાણું ને ખારીના પેકેટ, સામેની તરફ મજૂરો પોતપોતાને કામે ચડવા છકડાની રાહ જોતા. એ ઓછું બોલતી. માધાના ગલ્લાની બરાબર સામે સ્લીપર કાઢીને બેસતી. માધો રોજ એને નિરખીને જોયા કરતો, ભીને વાન અને નમણી માધાને ખૂબ ગમી ગયેલી. એણે એક દિવસ સમુકાકીને બોલાવીને બતાવેલીય ખરી.

અને એ પણ.. માધા તરફ ખેંચાયેલી, એની આંખો ખૂબ બોલકી હતી. એ છકડામાં બેસીને જાય ત્યાં સુધી નવી ચા ન બનતી. પચીસેક વર્ષનો માધો અને વીસેક વર્ષની એ.. માધાનો ચાનો ગલ્લો ધમધમતો, એને પોતાને પણ ડુંગળીમાં મજૂરી સારી મળતી. જો ઘર માંડે તો? એ વિચારતી, સામે માધો પણ એને દુકાનમાં વાસણ કરતી ને હિસાબ માંડતી જોતો.

રૂઢી તોડીને રસ્તો ક્રોસ કરીને આજે એ ગલ્લે આવી, માધાને એનો અવાજ રણકતા સિક્કા જેવો લાગ્યો.. વાહ શું અવાજ.. ‘પાંસના પાલ્લે દેજે..’ પ્રેમીકાને ગુલાબ આપે એમ માધાએ પારલેજીનું પેકેટ આપ્યું. એણે માધાને સ્મિત આપ્યું, પાંચનો નવોનક્કોર સિક્કો આપ્યો.. ‘રે’વા દે..’ માધાએ કહ્યું અને જંગ જીત્યા હોય એમ બંને હસી પડ્યાં.

‘સા પીવી?’

‘ના, સકડો આવી ગ્યો..’ એણે માધાની આંખોમાં જોયું, ચાલવાનું શરૂ કર્યું,

‘એલી ધ્યાનથી..’ માધો બરાડ્યો પણ એ પહેલા તો પૂરપાટ આવતા ટ્રકે.. પારલેનું પેકેટ હવામાં ફંગોળાયું.

Leave a comment

Your email address will not be published.