ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અતૃપ્ત – દિવ્યેશ સોડવડિયા

મારી તરફ આવતા એના પગરવથી હું સચેત થઈ. એનું નામ સાંભળી બીજી જ પળે એને મારી લગોલગો અનુભવતા મારા શ્વાસ સાથે મારી છાતીયે ધડકવા લાગી. હાંફતા ઉરોજ એને સ્પર્શતાની સાથે ફોન પર થયેલી શરતાનુસાર મેં એની આંખો પર પડદારૂપી દુપટ્ટો બાંધી દીધો. એની બરડ દાઢી મારા કોમળ હોઠ સાથે ઘસી એણે મારામાં ઝણઝણાટી રેલાવી દીધી. ધીરેધીરે એના ભીના હોઠ મારા કપાળથી માંડી ઊર્ધ્વ અર્ધશરીરના ભીતરાંગોને તરબતર કરતા રહ્યા. છેક ઊંડાણથી ટીસ ઉપડતા મારો હાથ એના નિર્વસ્ત્ર સુઘડ શરીર પર ફરીને એક સ્થાને અટકી ગયો ને જિંદગીમાં પહેલીવાર મારા અસ્તિત્વને પુરુષાકારનો અંદાજ આવ્યો.

અમારી કાયા એકબીજામાં ઘોળાઈને સંતૃપ્ત થાય એ પહેલાં જ ડોરબેલ રણકી. છેલ્લી કેટલીક મિનિટોને દિમાગમાં ગોઠવી મેં એને બાથરૂમ તરફ જવા ઈશારો કર્યો. એ ત્યાં ગયો અને મેં ડગલા માપી દરવાજો ખોલ્યો.

“આંધળી સાલી, બારણું ખોલવામાં કેટલી વાર લગાડી!” કૂતરાંની જેમ ભસતો દેવ રોજની પેઠે બેડરૂમમાં ઘૂસી ગયો. પરસેવે રેબઝેબ હું ફરી ડગલા ગણતી બાથરૂમમાં ગઈ. ત્યાં કોઈ નહોતું, સિવાય કે એક અતૃપ્ત દેહ…

Leave a comment

Your email address will not be published.