અર્ધસત્યો – ભારતીબેન ગોહિલ

 

હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરુ જોરથી રડ્યું. ક્વાટર્સમાં રહેતા ડૉક્ટરની દીકરી હેલી દોડીને તેની માને વળગી પડી. “મમ્મી, પેલી જપુ કેતી’તી કૂતરું રડે તો….” “એવું ના હોય બેટા…” માએ સાંત્વના તો આપી પણ તોય હેલીનું હૈયું ધબક ધબક થઈ રહ્યું હતું.

 

એજ સમયે પત્નીને લેબરરૂમમાં લઈ ગયા ને સંજુ એકલો પડ્યો. એક નાનકડા જીવના આગમનની તૈયારી સાથે આવેલ સંજુને કૂતરાનું રડવું કઠ્યું. તેને કૂતરાને ભગાડવા જવાનો વિચાર આવ્યો.

 

બીજી તરફ સ્પેશિયલ રૂમમાં ત્રણ ત્રણ ખૂનનો આરોપી ચત્તોપાટ થઈને સૂતો હતો. ધીમાધીમા શ્વાસ ચાલુ હતા. કમને પોતાની ફરજ નીભાવનાર જમાદારને કૂતરાનું રડવું ગમ્યું. ઊંડે ઊંડે છૂટકારાની આશા જન્મી!

 

કોઈકે દરવાજો ખોલ્યો ને એ સાથે જ સલવાયેલી પૂંછડી નીકળી જતાં મૂક્ત થયેલ કૂતરું આગળ ભાગ્યું ને પાછળ રહી ગયાં કેટલાંય અર્ધસત્યો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *