ગલી ક્રિકેટ – વિભાવન મહેતા

 

પોળની વચ્ચોવચ્ચ આવેલા નાના ચોકઠામાં ક્રિકેટ રમતાં કિશોરે બેટ વીંઝ્યું અને ‘જોરદાર શોટની બૂમો વચ્ચે, ત્યાંથી પસાર થતા જીતુભાઈના લમણામાં બોલ વાગ્યો અને એ તમ્મર ખાઈને નીચે પડી ગયા.

 

રમત અધવચાળે અટકી ગઈ, આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા અને જીતુભાઈને ઉંચકી વચલી શેરીમાં એમના ઘરે લાવી પરસાળમાં સુવાડ્યા.

 

જીતુભાઈના કપાળે ખાસ્સું મોટું ઢીમડું ઉપસી આવ્યું હતું. કોઈએ ફ્રીજમાંથી બરફ કાઢી લગાડ્યો તો કોઈ મલમ લઈ આવ્યું. થોડીવારે એમને સ્હેજ આરામ જેવું લાગતા સૌ વિખરાયા.

 

બળતી બપોરે શેરી સ્હેજ શાંત થઈ ત્યાં સાંકળ ખખડી, જીતુભાઈ બારણે ઉભેલી વિમળાને જોતાં જ રહી ગયા. તેમની આંખો હર્ષથી પહોળી થઈ ગઈ. વિમળાના ચહેરા પર ભારોભાર સાંત્વના હતી.

 

“બહુ વાગ્યુ તો નથીને? હવે કેમ છે? ખાસ્સુ મોટું ઢીમડું થયું છે ને?” વિમળા એકી શ્વાસે બોલી ગઈ.

 

અચાનક સણકો ઉપડતાં જીતુભાઈથી ઉંહકારો નંખાઈ ગયો. વિમળા દોડતીકને ફ્રીજમાંથી બરફ લઈ આવી અને જીતુભાઈના કપાળે ઘસવા લાગી.

 

પીગળતા બરફના રેલા ભેગા થોડા આંસુ પણ હતા તે વિમળાની નજરથી છાનું ન રહ્યું.

 

બીજે દિવસે જોગાનુજોગ જીતુભાઈ ફરી ચોકઠામાંથી નીકળ્યા ત્યારે કિશોરની જ બેટીંગ ચાલતી હતી. તેઓ બેટ લઈને ઉભેલા કિશોર તરફ આગળ વધ્યા. સૌ એના ધીબેડાઈ જવાની રાહ જોતા ઉભા રહ્યા. કિશોરની નજીક પહોંચી જીતુભાઈએ તેને ઉંચકી લીધો અને તેના કપાળને બચીઓથી ભરી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *