ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને ઉપરથી ચારેકોર ગાઢ અંધારું.

હૅપ્પી બર્થડૅ માઈકલ! – ડૉ. નિલય પંડ્યા

 

મેં કેક ઉપર લખ્યું; ‘હૅપ્પી બર્થડૅ માઈકલ’, દુકાન બંધ કરી અને આપેલ સરનામે કેક પહોંચાડવા ચાલી નીકળ્યો.બરાબર રાતનાં બારને ટકોરે તો હું ‘હૅવન બંગ્લૉ’ પહોંચી ગયો. સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને ઉપરથી ચારેકોર ગાઢ અંધારું. મને થોડી નવાઈ લાગી. છતાં હું વિશાળ બગીચો વટાવીને ઘરનાં મુખ્ય બારણાં પાસે પહોંચ્યો. આજુબાજુ નિરવ શાંતિ હતી.

મેં ટકોરા માર્યા – પણ આ શું! મારો હાથ અડતાં જ બારણું ખૂલી ગયું. ધ્રુજતા પગે અને કાંપતાં હ્રદયે હું અંદર પ્રવેશ્યો. અહીં પણ ઘોર અંધારું હતું.

પરસેવે રેબઝેબ હું મુખ્ય ઓરડામાં આગળ વધ્યો. એટલામાં મને બાજુનાં બંધ ઓરડામાંથી કોઈક સ્ત્રીનાં ગાવાનો અવાજ સંભળાયો. મેં નજીક જઈને બારણાની તિરાડમાંથી નજર કરી તો મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.

એ વિશાળ અંધારિયા ઓરડાની છતમાંથી ચંદ્રનું ઝાંખું અજવાળું આવી રહ્યું હતું. એક લોહીલુહાણ સ્ત્રી ખૂબ ધીમા અવાજે કંઈક ગાતી હતી અને એક પુરુષ તથા બાળકી તાળીથી તેનો સાથ આપી રહ્યા હતાં. વચ્ચે ટૅબલ પર એક આઠ દસ મહિનાનું બાળક સૂતું હતું જે ખિલખિલાટ હસી રહ્યું હતું.આવું ભયાનક દ્ગશ્ય જોતાં જ મારા શરીરમાંથી કંપારી છુટી ગઈ. હું ચીસ પાડતો ત્યાંથી ભાગ્યો..

સવારે પૉલીસ મારા વેરવિખેર પડેલા માંસનાં લોચા તપાસી રહી હતી. પણ મારી નજર તો ઘડિયાળ પર હતી. ક્યારે રાત પડે અને ક્યારે અમે માઈકલનો જન્મદિવસ ઊજવીએ!

Leave a comment

Your email address will not be published.