ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મોરપીંછનો એ પ્રવાસ જોઈને પોતે દંગ રહી ગયો

મોરપીંછ – રાજુલ ભાનુશાલી

એને ઘણી વખત થતું કે રખેને ભૂલમાંય અડકી જવાશે તો એનીય ચામડીનો રંગ ક્યાંક ભાભી જેવો ઇસ્ટમેન ન થઈ જાય. ક્યારેક સવારના ભાભી રોટલી કરતાં હોય ત્યારે પાછળથી બિલ્લીપગે આવીને એમનાં નિતંબ સાથે અડપલાં કરતા ભાઈને જોઈને એને ઉબકાં આવી જતાં.

અલબત્ત રાત્રે પાર્ટીશન પાછળથી ધમણની જેમ ચાલતા શ્વાસોચ્છશ્વાસના અવાજની એ રાહ જોતો. એ અવાજ શરુ થતાંની સાથે જ એના સત્તર વર્ષીય કુમળા અંગમાં ઠસોઠસ લોહી ભરાઈ જતું અને એની જાણ બહાર હાથ પ્રવૃત્ત થઈ જતો. ઉંહકારા, સિસકારાના વધતા અવાજની સાથે ગતિ પક્ડતા જતા હાથની ક્રિયા, લોખંડના પલંગનો કીચૂડાટ શમ્યા પછી જ થંભતી. એ આજ સુધી સમજી નહોતો શક્યો કે આ એને શું થતું? શું થઈ રહ્યું છે?

આજે એની ઉત્સુકતાએ માજા મૂકી. એણે સ્ટૂલ લીધું. ‘ના, ના… આ તુ ઠીક નથી કરી રહ્યો!’ એના મને ટપાર્યો. પણ મનનું કંઈ જ ચાલ્યું નહીં અને બીજી જ પળે એ સ્ટુલ પર હતો.

દુધિયા અંધકારમાં પલંગ પર બિછાવેલી ધોળા બાસ્તા જેવી ચાદર પર ભાભીનો દેહ પડ્યો હતો. ઉપર જળુંબી હતો ભાઈ અને એના હાથમાં હતું મોરનું એક પીંછું!  મોરપીંછનો એ પ્રવાસ જોઈને પોતે દંગ રહી ગયો. ખરબચડા ગાલ અને ગળા પરથી સરકીને એણે જયારે છાતી પર ગોઠવાયેલી બે ઘાટીલી ટેકરીઓ પર લસરકા કર્યા ત્યારે ભાભીના મુખેથી પ્રથમ સિસકારો નીકળ્યો. નાભિ, પીઠ, કમર, નિતંબ… સિસકારા વધતાં ગયા. દિવસના ઉજાસમાં જે નિતંબ જોઈને ઉબકાં આવતાં, અત્યારે એ જોઈને થયું કે ત્યાં પોતાની દાઢી ઘસી હોય તો? આવતાની સાથે જ ડોકી જટકીને એણે વિચારને ફગાવી દીધો. બીજી જ પળે ઘાટીલી ટેકરીઓ પર ફરતા મોરપીંછની જગ્યાએ એણે પોતાના હોઠ કલ્પી જોયા અને શરમાઈને આંખો મીંચી દીધી.

થોડીક ક્ષણો પસાર થઈ ગઈ. એણે આંખો ખોલી. હવે ન તો ભાભીનો દેહ દેખાઈ રહ્યો હતો કે ન તો મોરપીંછ! ફક્ત ધોળી બાસ્તા જેવી ચાદર અને એની પર ઊંધે મોં એ પડેલો ભાઈ હતો. સાથે હતાં ઉંહકારા અને કીચૂડાટ!

અંગમાં લોહી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી! એણે વહેલી તકે પેલા મોરપીંછને ચોરી લેવાનો નિર્ણય કર્યો.

Leave a comment

Your email address will not be published.