ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ડંખીલા મધલાળ’ને વસવસો હતો કે શિકારી ફોટો-ફ્રેમમાં મઢાઈ ગયો.

મધલાળ – સંજય ગુંદલાવકર

ઉર્વશી નામનું આલ્બમ અચાનક ખુલ્યું… એક લીલીછમ ડાળ પર બે પંખી બેઠા હતા. ઉર્વશી- ‘દોમ દોમ સાયબી ને રૂપ રૂપનો અંબાર’ ને મયંક- ‘ડંખીલો મધલાળ’. ઉર્વશીના ઋજુ હૃદયના સ્પંદનોથી રમે એ પહેલા તો એક શિકારી આવ્યો ને ઉર્વશીને લઈને ઉડી ગયો. હવામાં કોઈનું સ્મરણ રજકણ બનીને ઉડતું હતું. થીજેલા બરફ પર ચોસલાં જેવી કાર રસ્તે ચાલતી હતી, પણ રસ્તો કપાતો ન હતો. રિયર ગ્લાસમાં બધું પાછળ છુટતું ગયું. યાદોની વણઝાર ઉર્વશીના ઉંબરે થોભી.

આજે દશકા બાદ ઉર્વશીના કોરા કપાળ ને આંસુની ભાષા પર મયંકે ટકોરા માર્યા. ‘ડંખીલા મધલાળ’ને વસવસો હતો કે શિકારી ફોટો-ફ્રેમમાં મઢાઈ ગયો. એક ખૂણામાં નાની નાની બે આંખો પાંખ ફફડાવી રહી હતી.

જૂની પૂરાણી યાદો ભરેલી સંદૂકમાંથી બહાર નીકળી.

બહાર કરા વરસી રહ્યા હતાં, અંતરમાં ભભુકેલી અધુરા અરમાનોની બળતરા ચાર હાથ સેકતી હતી. ખૂણામાંની આંખોમાં ‘પપ્પાની ચેયર પર અંકલ બેઠા?’ ઠપકો યાદ આવી ગયો પપ્પાનો, ‘બેટા પપ્પાની ગન ને ચેયરથી રમાય નહીં.’

ઉર્વશીના ડીપ ફ્રીજ જેવા હ્રદયમાં મયંકની લાગણીઓના આઇસક્યુબ્સ ઓગળવા લાગ્યા. હિટર ઓન થયું.

એ થીજેલી આંખો, રાતની નીરવતામાં કણસતી હતી, ને અચાનક કાનમાં ઘુમરાવા લાગ્યા ગહન ઘેરા શ્વાસોચ્છવાસ. એ આંખો અધબીડેલા દરવાજામાં ઉતારી…

પરસેવે રેબઝેબ બેયના ધબકતાં હ્રદયના લીલી નસોમાં ઘોડાપૂર ધસમસતું હતું. અંકલની કંપકંપાતી છાતીના કાળા અડાબીડ જંગલોમાં મમ્મીની આંગળીઓ લયબદ્ધ રીતે નાચી રહી ને એવામાં પગનો હલકો ધક્કો વાગતા ધાબળો સરી પડ્યો. બેયની સાથળમાંનો પ્રવૃત નાગચૂડ અનાવૃત થયો.

એ નાની આંખોમાં ડંખ ઉતરી લોહીમાં ભળ્યો.

ગઈકાલની એષણાઓની ક્ષણો આજે પલંગમાં ટાઢી પડી. “આ બારી બહાર ગુલાબનો છોડ તેં વાવ્યો છે?”

“ના મારા સ્વર્ગસ્થ પતિએ.”

“એ છોડ પરનું તેં બરફમાં થીજેલું ગુલાબ જોયું છે ઉર્વશી? એ હું છું… હું આજેય તને એટલી જ ચાહું છું.”

“પણ તેં કદી કહ્યું નહીં કે તું મને મઘમઘતો સાથ દેવા તૈયાર હતો.”

“કાંટા વાવ્યા હતા તે જ નડ્યા મને.”

“મયંક… તારી કાંટાળી આરમાંય મને સુંવાળપની હુંફ મળત.”

પણ… સનનન કરતી વારાફરતી બે બંદુકની ગોળી આવી ને થીજેલો જીવનપ્રવાહ રક્ત બનીને પલંગ પર ઢોળાવા માંડ્યો.

ઉર્વશીના ચિત્કારે મયંકના કાનમાં સુનકાર વ્યાપી ગયો… ઉર્વશી નામનું આલ્બમ અચાનક…

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “ડંખીલા મધલાળ’ને વસવસો હતો કે શિકારી ફોટો-ફ્રેમમાં મઢાઈ ગયો.”