ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આજે કોઈ રૂટિન કામ નહીં.. નો છાપું.. નથિંગ.

નો છાપુ, નો ટી.વી. – નીલમ દોશી

 

સમાચાર પર નજર પડતા જ રાધિકાએ છાપાનો ડૂચો વાળી માળિયા પર ઘા કર્યો. રહીમ બ્રશ કરીને આવ્યો, રોજની જેમ બંને સાથે ચા પીવા બેઠા. ચાનો કપ લેતા રહીમે પૂછયું, “છાપું ક્યાં?”

“ખબર નહીં… આજે છાપાવાળો દેખાયો જ નથી.” ”રવિવારે છાપું ન આવે એ કેમ ચાલે? એની વે, હું નાકા પર જઇને લેતો આવું.” ”રહેવા દે.. આવી જશે… એક દિવસ ન વાંચે તો નહીં ચાલે? આજે કોઈ રૂટિન કામ નહીં.. નો છાપું.. નથિંગ.” રાધિકાએ કહ્યું. ”ઓ.કે.. ચાલ.. જરા ટી.વી જોઇએ બસ?” રહીમ ટી.વી. ચાલુ કરવા ઊભો થયો, “રિમોટ ક્યાં?”

“ખબર નહીં.. ક્યાંક આડુંઅવળું મૂકાઈ ગયું હશે. પણ જવા દે.. આજે નો ટી.વી., નો રૂટિન.. બસ તું અને હું.”

“ઓ.કે. મેડમ, એઝ યૂ પ્લીઝ..”

ફોન રણક્યો, રહીમે ઉપાડ્યો, “ના.. છાપું નથી જોયું, કંઇ ખાસ?” સામે છેડેથી શહેરમાં ફાટી નીકળેલા હિંદુ મુસ્લીમ રમખાણના સમાચાર સાંભળતા રહીમ સ્તબ્ધ… નિ:શ્વાસ સાથે એણે ફોન મૂક્યો. પાછળ ફર્યો, રાધિકાની ભીની આંખની લિપિ ઉકેલી રહ્યો. રાધિકાએ તેને ખભે માથું ઢાળી દીધું. રહીમનો હાથ હેતથી પસવારતો રહ્યો. બંને એકમેકના ધબકારા સાંભળી રહ્યા, “તારી વાત સાચી છે રાધિ.. આજે નો છાપું… નો ટી.વી…”

અને ત્યાં ફોન ફરી રણક્યો, અમંગળની આશંકાએ ભીતરમાં ખળભળાટ… ધ્રૂજતા હાથે રહીમે ફોન ઉપાડયો.

Leave a comment

Your email address will not be published.

One thought on “આજે કોઈ રૂટિન કામ નહીં.. નો છાપું.. નથિંગ.”