પરંપરા   —     પ્રિતિ ભટ્ટ

“વાસુ ઓ વાસુ!”

“હા મા,”

“સાંભળ દીકરા, તું હવે બાર વર્ષનો થઈ ગયો. કાલથી તારા બાપુ સાથે ભઠ્ઠે જવા માંડજે.”

“ભઠ્ઠે? અરેરે.. હું પાદરે શાળા છે ત્યાં ભણવા જવાનો છું. માસ્તરજી કહેતા હતા કે, દાખલો થઈ જશે.”

“ના; સાત ચોપડી ભણ્યો એ બઉં થયું. હવે બાપુ સાથે બે પૈસા લાવતો થઈ જા. સારું મૂરત જોઈ રેવાનું આણું કરી લઈ આવું, જેથી મારેય કામમાં મદદ રે.”

પૂનમની સંધ્યાએ આઠ વર્ષની કુમળી રેવા, સોળે શણગાર સજી વાસુના ઘરમાં પ્રવેશી.

રેવા વાસુની પાછળ પાછળ ઓરડામાં પહોંચી.

નાનકડી રેવા કૂદીને ખૂણે ખીટીએ ટીંગાડેલું દફતર હાથમાં લઈ,

“આ તમારું છે?”

“હા, કેમ?”

“હુંયે આવું જ દફતર લઈને ઇશકુલ જઈશ!”

થોડા દિવસ પછી વાસુ દોડતો ઘરે આવ્યો.

“મા, કાલથી રેવા ઓલી પાદરવાળી ઇશકુલમાં જશે. માસ્તરજીને અત્યારે જ દાખલાનું પૂછી આયો.”

“અરે, એ વહુ કહેવાય; ઇશકુલ ના જવાય એનાથી. છાનોમાનો ભઠ્ઠે જા.”

હું લાચાર બની રેવાના આંસુ જોતો રહ્યો. સવારે મારી આંખોમાં આંખ પરોવી એણે હાથ પકડ્યો અને બોલી,

“વાસુ, હું ઇશકુલ ન જઈ શકું?”

મારી અધૂરી ઇચ્છા અને પરંપરાના વહેણે કંઈક નવો જ માર્ગ દેખાડ્યો ને હું ઝડપથી દોડયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *