ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આ વર્ચ્યુઅલ દુનિયામાં એમને મળી ગઈ એક સાથી.

પાઠ – લતા સોની કાનુગા

“આ ઉંમરે તમને શોભે છે આ બધું?”

“કેમ તો તું ને તારી બૈરી છાંકટા બની કલબમાં નાચો છો, એ પણ આધુનિકતાના નામે બૈરાયે બદલો ને ધણીયે બદલો એ શોભે છે?”

સમીર પગ પછાડતો બેડરૂમમાં જતો રહ્યો.

જીવનના પાત્રીસ વરસ એકલે હાથે દીકરાને મોટો કરવામાં કાઢ્યા. એ પોતાની જિંદગીમાં મશગુલ રહેવા લાગ્યો ને ચમનભાઈ એકલા પડ્યા. આ વર્ચ્યુઅલ દુનિયામાં એમને મળી ગઈ એક સાથી. એમની મિત્રતા વધતી ચાલી ને ઘરે આવતી થઈ એ મિત્ર. બન્ને હમ ઉમ્ર, એકમેકમાં લીન એવા કે જાણે ફરી જુદા જ ન પડવાના હોય. સવાર પડે ને બંગલાના બગીચામાં બન્ને લટાર મારતા હોય કે હીંચકે બેસી એકમેકના હાથ જાલી કલાકો સુધી વાતોએ વળગ્યા હોય. કે આંગણામાં મોર ને ઢેલ આવી કળા કરતાં હોય એ જોઈ બન્ને એકમેકની આંખમાં જાણે કશુંક વાંચી લેતા હોય.

ગરાસ લૂંટાઈ જતો લાગ્યો ને વહુનો ચડાવ્યો દીકરો બાપને ન કહેવાના વેણ બોલી ગયો.

છેવટે તેઓ એક નિર્ણય પર આવ્યા.

બીજે દિવસે સવાર પડી ને ઘરમાં બાપાને ન જોયા. એમની રૂમમાં તપાસ કરતા મેડિકલ રિપોર્ટની કોપી હાથ લાગી, એ સ્ત્રીના નામની. છેલ્લા સ્ટેજનું કેન્સર.

બીજે દિવસે વકીલ દ્વારા બાપાની નોટિસ આવી.

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “આ વર્ચ્યુઅલ દુનિયામાં એમને મળી ગઈ એક સાથી.”