બી કૅરફૂલ..હાં! –  અજય ઓઝા

તોયે.. આ વરસાદ સમજતો જ નથી ! જોકે એમાં એનો શો વાંક ? હું ને તું મેઘ સાથે સંદેશાઓ મોકલવાનું ને ઉકેલવાનું તો ક્યારનુંય બંધ કરી ચૂક્યા છીએ ને! આપણે જ એને હવે નથી સમજતા તો એ આપણને શું કામ સમજે?

એકલો પલળું તો છીંકાછીંક કરતું નાક નીતરે છે, ને કોરો રહું તો આંખ! તને તો આ વરસાદ ક્યારેય પજવી શક્યો જ નહિ હોય ને! તું તો ઉલટાની ત્યાં દૂર ઊભી ઊભી મારી મજાક ઊડાડતી રહેતી હોઈશ. આવું જ થાય છે, કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય.. તે આનું નામ. જો કે આમ પણ મારે વરસાદમાં હવે નહાવું હોતું નથી. વરસાદનો તો હવે એક છાંટોય મને સહેજ પણ રોમાંચ કેમ નહિ આપી શક્તો હોય? મારા અંદરની લાગણીઓ ખૂટી પડી હશે? કે બહારના વરસાદ સામે અંદરનો વરસાદ ડૂકી ગયો હશે?

તને ખબર છે? હવે તો વરસાદ આવે કે તરત જ સમજણની કાળી છત્રીઓ ખોલીને હું બેસી જાઊં છું!

ભલે ચોમાસાઓ આવે ને જાય. ધોધમાર વરસાદ આવે ને જાય. પણ આ દેડકાભાઈ ફરી કોઈ કાગડાભાઈનું રમકડું બની ન જાય એ માટે છત્રીની બહાર નીકળવાના નથી જ હો!

હેય.. જોજે હો; બી કૅરફૂલ, ક્યારેક કોઈ બળૂકા વાવાઝોડામાં વરસાદની તોફાની હવામાં જો આ ‘છત્રીઓ’ જ કાગડો થઈ જશે ને… તો…? ત્યારે હાલ તો દેડકાભાઈના જ ભૂંડા થવાના ને! પ્લીઝ, બી કૅરફૂલ..હાં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *