ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

કંટાળીને એણે બધાને ‘ઓકે’નો મેસેજ ફોરવર્ડ કરી દીધો

ઓકે – સમીક્ષા ઠૂંમ્મર

દરવાજો ખોલીને તૃપ્ત ઘરમાં આવ્યો. એણે ચાવીને ટીપૉય પર ફંગોળી અને સોફામાં પડતું મૂક્યું. આજનો દિવસ ખૂબ હેક્ટીક રહ્યો. થાકીને ચૂર થઈ જવાયું હતું. એણે મોબાઇલ હાથમાં લીધો. નવસો મેસેજ! આખો દિવસ વૉટ્સ ઍપના મેસેજ જોવાનોય સમય મળ્યો નહોતો.  કંટાળીને એણે બધાને ‘ઓકે’નો મેસેજ ફોરવર્ડ કરી દીધો….

થોડીવારે ખાલી રસોડામાં નજર નાખીને એ બાથરુમમાં ઘુસી ગયો. શાવરના પાણી સાથે થાક ઓગળતો રહ્યો.

ભીના વાળ લુછતો એ બહાર આવ્યો…. ને અચાનક…. અંધકારને ચીરીને ચાંદની પ્રવેશી.

આકર્ષક અદાઓથી દિવાસળી ને’ માચીસનું મિલન કરાવી, એણે મીણબત્તી પ્રકાશિત કરી. તૃપ્ત કંઈ સમજે એ પહેલા તે આલિંગનમાં જકડાઈને હોશ ગુમાવી બેઠો…. સુગંધ, શ્વાસ ને સમન્વય….

“ખરેખર! જયાં સુધી તું છે…. નશાબંધી થઈ જ ના શકે!” સંતુષ્ટ થયેલો તૃપ્ત બોલ્યો.

“જીજુ… તમે મને ઓળખો જ ક્યાં છો…! અમે ભલે જુડવા હોઈએ, પણ હું સોહિની કરતાં વધારે મીઠી છું….”

ઝટકાથી તૃપ્તે એને આલિંગનમાંથી અળગી કરી…. અને સોહિનીના ગળાની પાછળ આવેલો તલ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ તલ મળ્યો નહીં! એ આઘાત સાથે બોલ્યો, “મોહીની….?”

છેડતીભર્યા સ્વરે મોહીની બોલી,”બહુ ભોળા ના બનો જીજુ… મેં તમને મેસેજ કરેલો છે કે દીદી બહાર જાય છે તો આપણે…. ને તમે ‘ઓકે’નો રિપ્લાય પણ આપેલો છે! એટલે જ તો હું આવી…!”

તૃપ્ત એને એકટક તાકી રહ્યો.

Leave a comment

Your email address will not be published.

One thought on “કંટાળીને એણે બધાને ‘ઓકે’નો મેસેજ ફોરવર્ડ કરી દીધો”