ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

જીવી ખેતરે જઈ કૂવામાંથી પાણી સીંચતી ત્યારે ખેતર પાણી પીતું અને જીવો જીવીને.

નીંદણ – હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

જીવીએ ચૂલો ઠાર્યો, પેટની ભૂખ તો ભાંગી. દરરોજ રાત્રે ઓરડામાં પ્રવેશતી ત્યારે એને જીવા સાથે જીવ મળ્યાનો પહેલો દિવસ ને પહેલી રાત યાદ આવતાં.  જીવો દીવાની શગ સંકોરતો ને જીવી નામનું અજવાળું એને અજવાળતું. જીવીને જીવાની બખ્તર જેવી છાતી પર માથું મૂકી સુવું ગમતું.

જીવાનો હાથ હળની જેમ આખ્ખા શરીર પર ફરતો ને મીઠા ચાસ પડતો. ખેતરમાં કામ કરીને કસાયેલા શરીરનો કિલ્લો એને સંતોષ આપતો. જીવી ખેતરે જઈ કૂવામાંથી પાણી સીંચતી ત્યારે ખેતર પાણી પીતું અને જીવો જીવીને. ખેતરની માટીમાં વરસાદ ભળતો એમ એ માટીમાં જીવો અને જીવી એકમેકમાં ભળતા. ક્યારેક અમી છાંટણાં તો ક્યારેક ધોધમાર! જીવી આખ્ખા ગામને ગમતી પણ જીવો છે ત્યાં સુધી કોઈની મજાલ નથી કે જીવી સામે જુવે પણ ખરો.

શહેરથી આવેલો સરપંચનો દીકરો જીવી નામના અજવાળાને અડવા ગયો ને જીવાના ધારિયાએ નીંદણ વાઢ્યું.

Leave a Reply to Hardik Pandya Cancel reply

Your email address will not be published.

One thought on “જીવી ખેતરે જઈ કૂવામાંથી પાણી સીંચતી ત્યારે ખેતર પાણી પીતું અને જીવો જીવીને.”