ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

“હવે?” એનું મન અટકળ કરે એ પહેલા દરવાજો ખુલ્યો.

રૂમમેટ્સ – એંજલ ધોળકીયા

ખુલ્લી બારીમાંથી આવતો ઠંડો પવન રાગીણીની લટને કપાળ પર ઝૂલાવતો હતો… ત્રિકોણાકારે ગોઠવાયેલી ત્રણ કાળી ટપકીઓથી સજાવેલી એની ચિબુક ઘૂંટણ પર ટેકવી, ઝુકેલી આંખોએ એ ચુંદડીના મોતી સાથે રમતી બેઠી હતી…

દરવાજાની ધાર નીચેથી આવતા અજવાળાના એક મોટ્ટા લીસોટાના ત્રણ ભાગ પડ્યા, “કોઈ દરવાજા પાસે ઉભું છે!” કાજળ ભરેલી એની બદામી આંખો એકીટસે ત્યાં જોઈ રહી…. આંખો ઉપર કાઢેલી પીરમાં થયેલો ફરકાટ મહેંદી લાગેલા પગ સુધી પહોંચી ગયો! એક પગનો અંગુઠો અનાયાસે બીજા પગના પંજા પર ભીડાયો… હાથની મુઠ્ઠીઓમાં પરસેવો થવા લાગ્યો! લગ્ન અને સગાઇ વચ્ચેનો અઢાર દિવસનો ગાળો તો એમના સાથેની દસ મિનીટની પ્રથમ  મુલાકાતના મોહમાં જ વહી ગયો!

“હવે?” એનું મન અટકળ કરે એ પહેલા દરવાજો ખુલ્યો.

દરવાજાના મિજાગરાનો અવાજ આવતાં એના શરીર માંથી એક ઝણઝણાટી પસાર થઈ… બધું ઈશ્વર પર મૂકી એણે આંખો મીંચી દીધી અને…*જીવન આખાનો સાથ જેને નામ કર્યો એ પુરુષ ઓરડામાં હતો … રાગીણીએ જાતને સંકોરી અને આંખો મીંચી દીધી… પેટમાં ઉઠતા વમળ ડરના હતા કે રોમાંચના એ એને હજી સમજાતું નહોતું… શરીર પરસેવાથી ઠંડુ પડી ગયું હતું… હાથ પર એક બરછટ અને મજબૂત છતાં હુંફાળો સ્પર્શ થયો!

“તું ગભરાય છે રાગીણી? જો કેટલું સરળ છે! ” એટલું બોલી એણે રાગીણીને બાહુપાશમાં સમાવી લીધી… એક પ્રગાઢ આલિંગનમાં સમાઈ ચુકી હતી એ… એમાં ખલેલ ન પહોંચાડવી હોય એમ ઓરડાના પડદા પણ ફરફરતા બંધ થઈ ગયા હતા…

રાગીણીના મનના ઓરડાનું ઘડિયાળ એ ૬૦ સેકન્ડ માટે થંભી ગયું હતું! એને અળગી કરી આંખોમાં આંખ નાખી ઉન્નત દેસાઈ એટલું જ બોલ્યો, “આવું જ આલિંગન જયારે તને આપવાનું મન થાય ત્યારે કહેજે! ત્યાં સુધી હું અને તું રૂમમેટ્સ! “

Leave a comment

Your email address will not be published.