ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મંગુ ડોશીનાં તૂટેલા ઘરનાં આ બે જ વારસદારો…!

ભાઈબંધી – અતુલ ભટ્ટ

 

તેની માંજરી આંખોમાં તોફાની ચટાપટા ચકળવકળ થતાં હતાં. આગળના બે પગ દબાવી લાલિયાની લીસી પીઠ પર કુદીને હુમલો કરવાને તે તૈયાર બેઠી હતી, ને લાલિયો બિચારો ગરમીથી ત્રસ્ત હાંફતો આકળવિકળ હાલતમાં ભીંજાયેલા શણનાં ટાટિયા પર તેનાં શરીરને અમળાવતો ઉંઘવાની વ્યર્થ કોશિષ કરતો હતો.

 

મંગુ ડોશીનાં તૂટેલા ઘરનાં આ બે જ વારસદારો…!

 

ડોશી રોજ પોતાના ઓટલાનાં ખૂણે પથ્થરિયામાં રોટલો ચોળીને થોડું પાણી નાંખે એટલે બેય ચપચપ ઝાપટી જાય. લાલિયો આળસુ તે લાંબી તાણે ને માંજરી કૂદીને ઝાડ નીચે બખોલમાં ભરાઈ જાય. કલબલ કરતાં લેલા અને કાબરને લાગ આવે તો ઝપટ મારીને ઝડપી લે, ને ફફડાટને જડબામાં દબાવી દોડતી દૂર ભરાઈ જાય.

ક્યારેક અધકચરું પારેવું બાકી રાખીને દૂર સરકી જાય, ને લાલિયો આળસ છોડીને માંજરીનુ વધેલું ઝાપટીને ટાઢક કરે.

 

બન્નેને બાળપણથી મંગુ ડોશીએ સાથે જ ઉછેરેલા… તે બેય રેઢા ય ન પડે. એકબીજાની નજરમાં જ રહે.

પણ ત્રણ દિવસથી ફળિયું ઉદાસ છે. રાત આખી ભસીને સોમાકાકાના ગાડાની નીચે સૂતેલો લાલિયો ઉભો જ ન થયો. સોમાકાકાએ બળદને જોડવા ગાડું સ્હેજ ધક્કે દઈ પાછું કર્યું તે લાલિયાના પેટ પર પૈડું ફરી વળ્યું.

 

મંગુડોશીના પથ્થરિયામાં ત્રણ દિવસથી રોટલા સૂકાઈ ગયા છે…. પારેવાય નીચે ચણ ચણવા ઉતરે છે અને ચણીને ઉડી જાય છે. માંજરીની આંખમાં શોકનો કાળો પટ્ટો સાફ વર્તાય છે. મંગુડોશી રોજ સાંજે તુલસીક્યારે દીવો કરે છે. હજીય રાત્રે લાલિયો ભસે છે, દૂર ડાઘિયો ટાંપીને બેઠો છે અને મંગુડોશી રાત આખી જાગે છે.

Leave a comment

Your email address will not be published.