ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મંજુ ધ્રુજતા હાથે ટેબલ પર પરચૂરણ ગણી રહી હતી

માસૂમ ફી – ધવલ સોની

મંજુ તેના દીકરાને લઈને દવાખાને આવી તો ખરી પણ તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સરકારી દવાખાનાની સારવારથી કશો ફરક ના પડ્યો એટલે આજે એણે ખાનગી દવાખાનાનું પગથિયું ચડવુ પડ્યું. પણ દવાખાનાના દિદાર જોઈને જ તેના પેટમાં ફાળ પડી. તેના ખાલી હાથ વારંવાર સાડીના છેડા વડે કપાળ પરના ટીપાંને લુછી રહ્યાં. તેની કરચલી પડી ગયેલી આંગળીઓમાં આછી ધ્રુજારી તેના દીકરાએ પણ અનુભવી. તાવથી ધગધગી રહેલી અણસમજુ આંખ તેની માના ચહેરા પરની વેદના સમજી રહી હતી. તેનો હાથ અનાયાસે ખિસ્સામાં કઈંક શોધી રહ્યો.

 

ડૉક્ટર બાળકને ઈંજેક્શન લગાવીને પોતાની બેઠક તરફ જઈ રહ્યા હતા ત્યારે મંજુ ધ્રુજતા હાથે ટેબલ પર પરચૂરણ ગણી રહી હતી. ડોક્ટર સાહેબ મર્માળુ હસી પડ્યા. “બહેન રહેવા દો. તમારી ફી તમારા માસૂમ દીકરાએ આપી દીધી છે. આવી ફી ભાગ્યે જ કોઈએ મને આપી હશે. મને કાયમ યાદ રહેશે.” ડૉક્ટર ટેબલ પર ભમરડો મૂકીને ખડખડાટ હસી પડ્યા. તેમની આંખોમાં પેલા બાળક જેવી જ માસૂમિયત ફરી વળી.

Leave a comment

Your email address will not be published.