ફરજંદ – પ્રિયંકા જોષી

“વેલકમ, આશા છે આપને અહીં પહોંચવામાં બહુ તકલીફ નહીં પડી હોય.”
“જી, આ સ્થળ થોડું અંતરિયાળ છે અને એથી જ વધારે મોહક. મુસાફરીમાં ખરેખર આનંદ આવ્યો. થેન્ક યુ.”
બત્રીસ વર્ષની ડૉ.શુભાનું પ્રોફાઈલ એક મેટ્રીમોનિયલ સાઈટ પર જોઈને છત્રીસ વર્ષનાં ડૉ.આનંદ આ મનોરના જંગલમાં આવેલાં એક અનાથાશ્રમ સુધી ખેંચાઈ આવ્યા. માતાપિતાના મૃત્યુ બાદ મોસાળમાં ઉછરેલાં આનંદનું જીવન પ્રથમ મેડિકલ અભ્યાસ અને પછી લોકસેવામાં સમર્પિત હતું. શુભા અનાથાશ્રમમાં સેવા આપે છે એ જાણીને એમને તેનામાં પોતાની જીવનસંગિનીની કલ્પના સાકાર થતી લાગી.
બપોરનાં ભોજન બાદ બન્ને કુદરતના ખોળે વસેલી આ સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લેતા રહ્યાં. આનંદ શુભાની કાર્ય નિષ્ઠા અને કોમળ સ્વભાવથી અભિભૂત થતાં ગયાં.
સાંજે બન્ને પરત ફરી રહ્યાં હતાં ત્યારે એક કિશોરી દોડતી ત્યાં આવી પહોંચી.
“દીદી, જલ્દી ચાલો. રસોડામાં કામ કરતાં કરતાં જ જમનામાસીને હુમલો આવ્યો છે.”
“આનંદ, આ અનિતા તમને ગેસ્ટહાઉસ સુધી લઈ જશે. આપ ત્યાં જઈને આરામ કરો.”, શુભાએ સત્વરે પગ ઉપાડ્યા. આનંદ એની પાછળ જ ગયો.
તાત્કાલિક સર્જરી કરવી પડે એમ હોવાથી શુભા ઓપરેશન થિયેટરમાં હતી.
“આપ ડૉ. આનંદ છો?”,એક વૃધ્ધ જાજરમાન સ્ત્રીએ એમની પાસે આવી પૂછ્યું.
“જી, માફ કરશો. મેં આપને ઓળખ્યાં નહીં.”
“હું ડૉ.વર્ગિસ. મેટ્રીમોનિયલમાં મેં જ શુભાનું પ્રોફાઈલ મૂકેલું. પાગલ છોકરી અહીં લોકોની સેવા કાજે લગ્ન કરવાની ના પાડતી હતી. એ અહીં જ ઉછરેલી અને હું જ એની મા સમાન… એટલે એક મા તરીકે મારી જવાબદારી બને કે એને યોગ્ય……” આગળનાં શબ્દો હવામાં ઓસરી ગયા.
“એ અહીં જ ઉછરેલી.” આ વાત આનંદના અંતરમાં વમળાતી રહી, ક્યાંય સુધી….

4 thoughts on “હું ડૉ.વર્ગિસ. મેટ્રીમોનિયલમાં મેં જ શુભાનું પ્રોફાઈલ મૂકેલું”

Leave a Reply to Kulin patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *