તે બરફમાં થીજેલું ગુલાબ જોયું છે ઉર્વશી?

હું પણ તને ચાહું છું.. – મીરા જોષી

“અનિરૂદ્ધ, નાનપણથી મેં એક કલ્પના કરી હતી, હિમાલયની ભૂમિ પર વસવાની… ત્યાંની પરમ શાંતિને હ્રદયમાં ભરીને પરિતૃપ્ત થવાની અદમ્ય ઝંખના હતી મને… આજે એ ઝંખનાની પૂર્તિનો દિવસ છે, અનિરૂદ્ધ. તારા મૈત્રીઋણથી મુક્તિ આપ મને.”

હિમાલયનાં બરફમય શિખરોની પેલી પાર સફેદ ચાદર ઓઢેલી કેડીઓનાં નિર્જન, અલૌકિક વૈભવમાં થીજી ગયેલી ખુશનુમા સવારે ઉર્વશી તેનાં જીવનનો વળાંક કંડારવા આવી હતી.

“ઉર્વશી, પરિવાર, મિત્રો અને મને છોડીને, સંબંધોથી અલિપ્ત રહીને તું તારી મુક્તિનો માર્ગ શોધવા નીકળી છે? શું તને ક્યારેય પ્રેમ અને હૂંફની તલપ નહીં લાગે?”

“આ મુક્તિની શોધમાં મારું અંતર વર્ષોથી ભટકે છે અનિરૂદ્ધ.. હું કોઈ સંબંધોનો છેદ કરીને નથી જતી. દરેક સંબંધને જીવીને, તરબોળ પ્રેમ આપીને હું એક બીજી મલયભૂમિમાં કદમ મૂકવા માંગુ છું. અને પ્રેમ જેવો કોઇ ભાવ મારા જીવનમાં સ્થાપિત થયો જ નથી.”

“જાણું છું પણ તે બરફમાં થીજેલું ગુલાબ જોયું છે ઉર્વશી?  એ હું છું.. હું આજેય તને ચાહું છું.”

“પણ તે કદી કહ્યું કેમ નહીં કે તું મને… અનિરૂદ્ધ, પારિજાતના ફૂલ જેવી કોમળ મિત્રતા તેં નિભાવી જાણી, પણ મને પ્રેમથી અલિપ્ત રાખી?”

“હા, પણ તારી મુક્તિની શોધ આડે મારો પ્રેમ ક્યારેય નહીં આવે.”

“તારા પ્રેમનાં અવલંબનથી, એષણાઓથી દૂર રહી મારે મુક્તિની શોધ કરવાની છે.”

ઉર્વશીએ નિસાસો નાખ્યો, અનિરૂદ્ધની આંખમાં જોઈને કહ્યું, “પણ જે પથ પર જવા માટે હું અત્યાર સુધી આતુર હતી ત્યાં આજે મારા પગ કેમ જડાઈ ગયા છે? જાણે મારા હ્રદયમાં પીડાનું પડ ખુલી ગયું છે. એક નવી જ પીડા… એવું લાગે છે જાણે કંઈક છૂટી રહ્યું છે.”

“ઉર્વશી, તારા હ્રદયનાં ઊંડાણમાં આપણા આટલાં વર્ષોનાં મધુર અનુરાગોનો નવો ઉદય થયો છે.”

“નહીં, એ માર્ગ મને બોલાવે છે. હું પણ તને ચાહું છું, પણ મને તારી ઝંખના નથી. તારી સાથે નિકટતમ આનંદથી સભર જીવનની એષણા નથી મને. હું માત્ર ચાહું છું આપણા સંબંધને, આ પ્રેમની લાગણીને…” ને અનિરૂદ્ધ ઉર્વશીને જતી જોઈ રહ્યો… તેનાં કાનમાં ઉર્વશીનાં શબ્દો ગુંજતા રહ્યા.. “હું પણ તને ચાહું છું”

Leave a Reply to Meera Joshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “તે બરફમાં થીજેલું ગુલાબ જોયું છે ઉર્વશી?”

%d bloggers like this: