ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વીણાની આંખ સામે એ પ્લાસ્ટીકની માળા અને હેરબેન્ડનું ફૂલ નાચી રહ્યા હતા.

હેર-બેન્ડ – નીવારાજ

“સો એક રૂપિયાનું કંઈ નાનુંમોટું આપી દો.” કટલરીની દુકાને પહોંચેલી વીણાએ સૂચના આપી. પ્લાસ્ટીકની માળા, બુટ્ટી અને બ્રેસલેટ લીધા અને સાથે એક મોટા ફૂલવાળી હેરબેન્ડ.

નવી નવી રહેવા આવેલી વીણાનાં મોટા ટાવરની નીચેની ખાલી દુકાનમાં એ લોકો રહેતા… હળવું સિલાઈકામ કરતા મુસ્લિમ પરિવાર સાથે “કેમ છો? સારું છે ને?” વ્યવહાર થતો. આજે ઈદ હતી. બહાર રમ્યા કરતી નાની દીકરી માટે આ સામાન ખરીદ્યો.. ઈદી રૂપે.

ફાતિમાબીબી પરાણે હાથ પકડીને અંદર લઇ ગયા. એક તો બહાર વરસાદ અને અંદર ભેજના કારણે શ્વાસ ન લઇ શકાય એવા એક પણ બારી બારણાં વગરના રૂમમાં બેસતા વીણાનો દમ ઘૂંટાઈ રહ્યો હતો. ભેટ મળતા આમતેમ કુદકા મારતી વફાને જોઈ વીણાને મોટું દાન કર્યાનો આનંદ થતો હતો.

“આવામાં કેમ રહો છો? બીમાર પડશો.” વીણા બોલી ઉઠી.

“આ આખું બિલ્ડીંગ અમારી જમીન પર ઉભું છે. અહીં અમારા સાત ફ્લેટ છે જે અમે ભાડે આપ્યા છે. અને દસ ફ્લેટ આપવાનાં વાયદાથી બિલ્ડર મુકરી ગયો એટલે અમે અહીં આમ કબજો રાખવા જ રહીએ છીએ…”

લીફ્ટમાં મૂંગા મોઢે સીતેર લાખ ગુણ્યા સાતનો હિસાબ કરતી વીણાની આંખ સામે એ પ્લાસ્ટીકની માળા અને હેરબેન્ડનું ફૂલ નાચી રહ્યા હતા, ને દસમો માળ આવી ગયો.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: