ટ્રેન પૂરવેગે જઇ રહી હતી. સ્ટેશન છોડ્યાને દસ મિનિટ થઇ હતી અને હવે સ્પીડ પકડાઇ હતી.. રાતના બાર વાગી ગયેલાં. મેં નૉવલ બંધ કરી, કેબિન લોક કરી બર્થ પર લંબાવ્યું, આંખો બંધ કરી સૂવાની કોશિશ આરંભી. કેબિનનો દરવાજો કોઈ જોરજોરથી ખખડાવી રહ્યું હતું. મેં આંખો ચોળતાં દરવાજો ખોલ્યો, અને લેડીઝ પરફ્યુમની સુગંધ કેબિનમાં પ્રસરી ગઇ. એ યુવતી મોર્ડન પણ ખાનદાન ઘરની લાગી, તેનાં હાથમાં પર્સ સિવાય કોઈ સામાન નહોતો. નવાઇ તો લાગી પણ સામેની ખાલી બર્થ તેની હોઈ શકે, વિચારી તેને અંદર આવવા દીધી. કેબિનમાં હું એકલી જ હોવાથી એનું આવવું ગમ્યું.

અમે ‘હેલ્લો’ કહી એકબીજાનું અભિવાદન કર્યું. કોઈપણ પ્રસ્તાવનાં વગર એણે મને છાપાનું કટિંગ વાંચવા આપ્યું. મેં વાંચવા લીધું…. પાંચ વરસ પહેલાનું એ કટિંગ.. તે રાત્રે ટ્રેનની એક કેબિનમાં, એક નવપરિણીત જોડું મુસાફરી કરી રહ્યું હતું. અડધી રાત્રે ચારેક પીધેલા કેબિનમાં ઘૂસી આવેલા, પ્રેમસંવનન મગ્ન જોડું પરિસ્થિતીનો તાગ મેળવે તે પહેલાં બબ્બે જણાં એમની આજુબાજુ ગોઠવાઈ ગયા. યુવતીની છેડછાડ શરૂ થઈ, પતિએ વિરોધ કર્યો, મારામારી થઈ. ગુંડાઓ એના પતિને બહાર ઘસડી ગયાં, બીજા બે નવોઢા પર પાશવી બળાત્કાર અને તેની હત્યા કરીને પલાયન..

સમાચાર વાંચીને તેને આપવા હાથ લંબાવ્યો પણ ત્યાં.. લેડિઝ પરફ્યુમની સુંગંધની બદલે…

(લેડિઝ પરફ્યુમ – મીનાક્ષી વખારિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *