ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ફળિયું – દિવ્યેશ સોડવડીયા

“અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું.

“મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું.

“હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું: “લ્યો, મા’રાજ.”

“તમારા દીકરાની જોળી દાણાથી સદા ભરેલી રહે.” જોળી ફેલાવતા સાધુ બોલ્યા.

ડોસીની આંખોમાંથી દાણા જેવા આંસુઓ દડ.. દડ.. કરતા જોળીમાં સરી ગયા, “મા’રાજ તમને ભવિષ્ય ભાખતા આવડતું હોય તો કહો કે મારો દીકરો નિત્ય ઘર છોડીને ક્યાં ગયો છે?” ડોસીએ પૂછ્યું.

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?” હિંડોળે બેઠેલ આનંદ ડોસાએ ડોસીને કહ્યું. નિત્યાનંદ સાધુએ પોતાની માના આંસુઓને જોળીમાં છુપાવી પોતાનું ફળિયું છોડ્યું.

Leave a comment

Your email address will not be published.