માઈક્રોફિક્શન વાર્તાઓથી શોર્ટ ફિલ્મ તરફ – મેહુલ બૂચ

માઈક્રોફિક્શન વાર્તાઓથી શોર્ટ ફિલ્મ તરફ..

કર્મે અભિનેતા હોવાના નાતે શબ્દો સાથે મારો બહુ જૂનો નાતો, અને આ શબ્દોથી સર્જાતા કવિતા, ગઝલ, વાર્તા, ટૂંકી વાર્તા, નવલિકા, નવલકથા, નિબંધ, પ્રવાસ વર્ણન જેવા વિવિધ સર્જનો મેં મનભરીને વાંચ્યા. પણ મારી આ વાચનયાત્રામાં અક્ષરનાદ નામના આ મુકામે એક કમાલનો વળાંક આવ્યો અને હું આવી પહોંચ્યો સાવ ઓછા શબ્દોથી સર્જાતા માઈક્રોફિક્શન નામના એક અનંત અને અત્યંત અર્થસભર વિશ્વમાં..

માઇક્રોફિક્શન.. વધુમાં વધુ ૫૫ શબ્દોમાં આખેઆખી વાર્તાને સમાવી લેતો આ સાહિત્ય પ્રકાર વાંચવાની મને બહુ મજા પડી ગઈ. અંગ્રેજી ભાષાની સરખામણીએ ગુજરાતી સાહિત્યમાં કદાચ માઇક્રોફિક્શનની હજી આ શરૂઆત છે, પરંતુ અક્ષરનાદના સથવારે ઘણી માઇક્રોફિક્શન વાંચ્યા પછી એક વાતની ખાત્રી થઈ ગઈ કે ગુજરાતી સાહિત્યમાં આ વાર્તાપ્રકારનું એક આગવું અને અનોખું સ્થાન નિશ્ચિત છે.

આંગળીના વેઢાથીય નાના મેમરીકાર્ડમાં ૬૪ જીબીનો ડેટા સ્ટૉર કરવા ટેવાયેલી ૪G ની ઝડપ સાથે હોડમાં ઉતરેલી, વ્હોટ્સપ વિના ગૂંગળાઈ જતી આજની પેઢીમાં આપણા સાહિત્યને ધબકતું રાખવા માઇક્રોફિક્શન નામનો આ વાર્તાપ્રકાર બહુ મહત્વની ભૂમિકા ભજવી શકે એવી મને ખાત્રી છે. દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમથી મારો નાતો બહુ નજીકનો રહ્યો છે એટલે જ આ માઇક્રોફિક્શનના પ્રકારને શોર્ટ ફિલ્મમાં મઢી લેવાની ઈચ્છા હું રોકી નથી શક્તો. કારણ કે મેં વાંચેલી મોટાભાગની માઈક્રોફિક્શન વાર્તાઓમાં એક શોર્ટફિલ્મ માટેની તૈયાર સચોટ પટકથા મને સતત દેખાઈ છે અને બહુ નજીકના ભવિષ્યમાં કેટલીક માઈક્રોફિક્શન વાર્તાઓની શોર્ટફિલ્મ બનાવવાના પ્રયત્નોની શરૂઆત પણ થઈ ચૂકી છે. કેટલાક સર્જકો અને વિવેચકોના નાકનાં ટેરવાં માઇક્રોફિક્શનના નામથી ચડી જતાં હોય તો પૂરા સન્માન સાથે તેમના મંતવ્યની અવગણના કરી માઇક્રોફિક્શનની દિશામાં વધુ ને વધુ આગળ વધવામાં જ આપણું હિત છે.

માઇક્રોફિક્શનની દિશામાં અક્ષરનાદે કરેલા સતત પ્રયત્નોને અને સાવ ઓછા શબ્દોમાં બહુ મોટી વાત કહી જતા એ તમામ સર્જકોને મારા સો સો સલામ છે અને એક જ ઈચ્છા છે કે આવનારા વર્ષોમાં આપણી ગુજરાતી ભાષાની ઓછામાં ઓછી દસ માઈક્રોફિક્શન વાર્તાઓ ભારત અને પરદેશના શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થાય.

– મેહુલ બૂચ
(હિન્દી – ગુજરાતી ફિલ્મો, ધારાવાહિક શ્રેણીઓ તથા ગુજરાતી નાટકોના અભિનેતા)

સર્જન સામયિક અંક 3 માંથી સાભાર..

2 thoughts on “માઈક્રોફિક્શન વાર્તાઓથી શોર્ટ ફિલ્મ તરફ – મેહુલ બૂચ

Leave a Reply