ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આક્રંદ – જીજ્ઞેશ અધ્યારૂ

કેટલો સમય બેભાન હતી એ પણ ખબર ન રહી, અસ્તવ્યસ્ત કપડા સમેટીને, રગદોળાયેલા શરીરે એણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો, પણ પગ ભાંંગી ગયેલો, હાથ લોહીલુહાણ. ઘસડાતા શરીરે આશામાં આસપાસ જોયું, પણ નિષ્ફળતા. છતાંય અસહ્ય દુ:ખાવાને પચાવી લીધો હોય એમ આંસુનું ટીપુંય ન પડવા દીધું. એ રડતી ત્યારે પપ્પા કહેતા, “અમી તો સ્ટ્રોંગગર્લ છે..”

એ પાછી ફરી.. મન કઠણ કરીને ભાંગલા શરીરે દોડી. ચારેકોર ભૂતાવળો નાચતી હોય તેમ સવારનું દ્રશ્ય યાદ આવ્યું, દરિયામાં હોડી ડોલતી હોય એમ એ ડોલી હતી.. માથામાં જોરદાર સણકો થયો અને એ પડી. એ સાંકડી ગલીમાં એને અનેક જાણીતા હાથપગ, સ્કૂલ બેગ અને વોટરબેગ દેખાયા ને તૂટેલા કાટમાળમાંથી બહાર આવવા તરફડીયા મારી રહેલો એક હાથ..

જાણે મડદાંને જીવ આવ્યો, ભાખોડીયા ભરતા નાનકડા હાથે તૂટેલા બીમને સળીયાથી હટાવવાનો પ્રયત્ન કર્યો, પાછળથી બીજા હાથ મદદે આવ્યા, બીમ ઉપડ્યો પણ રાહત ક્ષણજીવી નીવડી. રોક્કળનું એક મોજું ફરી વળ્યું.

જુનૈદના પેટમાં સળિયો જોઈને એ થીજી ગઈ, એની પાછળ લોહીના કીચડમાં ખરડાયેલો લગભગ એનો આખો વર્ગ.. સાત વરસની અમીની આંખ ટપક ટપક.. કોંક્રીટના હટાવવાનો, એ બધાને કાઢવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી હતી કે ફરીથી એક ધ્રુજારી, ને અમી ધ્રુજી ઉઠી.

– જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *