ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મારી બિચારી છોકરીને બોલાવતાંય નથી?

છોકરું – જીજ્ઞેશ અધ્યારૂ

ઘરની અંદર મીરાં બરાડા પાડી રહી અને ઘરના જાણે બહેરા હોય તેમ પોતપોતાનું કામ કર્યે જતાં હતાં.

“આ શું માંડ્યું છે? મારી છોકરીને કેટલી હેરાન કરશો? હરા.. તમને કેટલી વખત કહ્યું કે છોકરો કે છોકરી એ મારા હાથની વાત નથી” પછી મનોજ તરફ ફરીને બરાડી, “નીંભરની જેમ જોઈ શું રહ્યા છો? આ બધું તમારા પ્રતાપે છે, પણ તમારાથી તમારી માંને, બે’નને ક્યાં કાંઈ કહેવાય છે? આખો દિવસ મારી છોકરીને હડધૂત કરે છે.”

ફરી એક શાંતિ ચોતરફ ફરી વળી, પણ મીરાં જેનું નામ, એને ચેન ક્યાં હતું, એનો ઉભરો તો હજી બાકી હતો, “મારી છોકરીની શું હાલત કરી છે નાલાયકોએ ભેગા થઈને..” તેના અવાજમાં રૂદનનો રણકો ભળ્યો અને આંખમાં આંસુની ધાર, “મારી બિચારી છોકરીને કપડાંય નથી આપ્યાં ને એને બોલાવતાંય નથી, છોકરીનો શું વાંક? ભગવાન તમને બદલો જરૂર આપશે …”

શેરીમાં પડોશણ બાઈઓ વાત કરી રહી, “મનોજને કેટલી વખત કહ્યું, આ ગાંડીને પાગલખાને મૂકી આવ તો તનેય શાંતિ અને અમનેય.. પણ પ્રેમલગ્ન તો આણે જ નવી નવાઈના કર્યા છે, એને આ કકળાટ ખબર નહીં કેમ ગમે છે? રોજ સવારમાં આ જ બૂમાબૂમ ને વાંઝણીનું મોં જોવાનું…”

આ વાતોથી કાયમ બેખબર મીરાંએ ઘરમાં ઢીંગલીને ફરીથી વહાલ કરવા માંડ્યું હતું.

Leave a comment

Your email address will not be published.

One thought on “મારી બિચારી છોકરીને બોલાવતાંય નથી?”